પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી ૬૩૬ ખાનગી કોલેજો ફી નહીં વધારી શકે તેવો FRCએ નિર્ણય કર્યો છે. રાજ્યની ફી નિયમન સમિતિ (ટેક્નિકલ) દ્વારા ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનીગ ચલાવે છે તેવી કોલેજો શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફી વધારો ન સુચવી અને ફીનું માળખુ યથાવત રાખવા અંગે સૂચના અપાઈ છે. 171 કોલેજોએ ફી વધારાની માંગણી કરી હતી પણ સમિતિએ માંગ ફગાવી છે. કોઈ વધુ ફી લેતું હોય તો વિદ્યાર્થીઓએ FRCમાં ફરિયાદ કરવા જણાવાયું છે.
લાંબા સમયથી પ્રવર્તમાન કોવિડ -૧૯ ની પરિસ્થિતિ અને તેને આનુસંગિક આર્થિક સંકડામણના કારણે ઘણા વાલીઓ માટે ફી વધારો સહ્ય ન થઈ શકે તેવા માનવતાવાદી દ્રષ્ટિકોણને ધ્યાને લઈ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલ ગુજરાત રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનીગ, હોટેલ મેનેજમેન્ટ જેવા પ્રોફેશનલ ટેકનીકલ અભ્યાસક્રમો ચલાવતી કુલ ૬૩૬ સંસ્થાઓ-કોલેજો છે.
એસોસીએશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસના સભ્ય હોય તેવી ૩૦૪ અને અન્ય ૭૩ (કુલ ૩૭૭) સંસ્થાઓએ ફ્રી બ્લોક વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૨ -૨૩ માટે યથાવત ફી જાળવી રાખવા અનુમોદન આપ્યું હતું. સમિતિ નું માનવું છે કે તત્કાલીન કોવીડ -૧૯ નાં રોગચાળાની રિર્થાત કે જેના કારણે અર્થતંત્રને ખરાબ રીતે અસર કરી છે તે સંજોગોમાં આ સંસ્થાઓના મેનેજમેન્ટે માત્ર તેમની સામાજિક જવાબદારીઓ પ્રશંસનીય રીતે નિભાવી નથી પરંતુ એક એવો નિર્ણય લીધો છે જે વિધાર્થીઓના માતાપિતાને નોંધપાત્ર નાણાકીય રાહત આપશે.






