ભાવનગર જિલ્લાના વલ્લભીપુરની ભટ્ટ શેરીમાં મોટરસાયકલ ચલાવવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ચાલી રહેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાડોશમાં રહેતા શખ્સોએ એકસંપ થઈને એક મહિલા અને તેના પરિવાર પર તલવાર જેવા ધારદાર હથિયારો સાથે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વલ્લભીપુર પોલીસ મથકે નોંધાઈ છે.
બનાવ અંગે પોલીએ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ,વલભીપુરના ભટ્ટ શેરીમાં રહેતા ગીતાબેન ઘનશ્યામભાઈ ઘોયલ ઉ.વ.૪૫ના દીકરા હર્ષને મોટરસાયકલ બાબતે પાડોશમાં રહેતા હર્ષ દેવેન્દ્રભાઈ મકવાણા સાથે બોલાચાલી થઈ હતી. આ અદાવત રાખીને ગત રોજ બપોરે ભરત ભુરાભાઈ ચાડ, હરેશ ઉમેદભાઈ મકવાણા અને હર્ષ મકવાણાએ ગીતાબેન અને તેમની દીકરી ઇતીશા સાથે ઘર પાસે આવીને ઝઘડો કર્યો હતો.દરમિયાન સાંજના છ વાગ્યાના અરસામાં ગીતાબેન ઘરના આંગણામાં બેઠા હતા, ત્યારે તેમના જેઠાણી દેવીબેને બહારથી દોડી આવીને બૂમ પાડી હતી કે, “તમે ઘરની અંદર જતા રહો, તમને મારવા માટે તલવાર લઈને આવે છે!” એટલામાં આરોપી ભરત ભુરાભાઈ ચાડ અને એક અજાણ્યો શખ્સ હાથમાં ખુલ્લી તલવારો લઈને ધસી આવ્યા હતા.અને ગીતાબેન પર તલવાર ઉગામી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આસપાસ રહેતી પાડોશી મહિલાઓએ બહાદુરી પૂર્વક વચ્ચે પડીને ગીતાબેનનો આબાદ બચાવ કર્યો હતો અને હુમલાખોરોના હાથમાંથી તલવાર ઝૂંટવી લીધી હતી.
આ બનાવ બાદ ચારેય આરોપીઓ “આ વખતે તો બચી ગયા છો, હવે પછી જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને નાસી છૂટ્યા હતા.આ બનાવ અંગે ગીતાબેનની ફરિયાદના આધારે વલભીપુર પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


