સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેના ગૌરવવંતા ૮૨ વર્ષ પૂર્ણ કરી ૮૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તે પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સાધારણ સભા ચેમ્બર સભા હોલ ખાતે યોજવામાં આવેલ.
કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરના માનદ્ મંત્રી બૈજુભાઈ મહેતાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે આઝાદી પહેલા એટલે કે ૧૯૪૩માં સ્થપાયેલ આ ચેમ્બર આજ રોજ ૮૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી ૮૩ માં વર્ષમાં પ્રવેશ કરે છે તે વેપાર-ઉદ્યોગ જગત અને સમગ્ર નાગરિકો માટે ગૌરવનો પ્રસંગ છે. બૈજુભાઈ મેહતાએ ગત ૮૨મી વાર્ષિક સાધારણ સભાની મિનીટ્સ તથા વર્ષ દરમીયાન થયેલ કામગીરીનું વાંચન કરી આ અંગે સૌ સભ્યોને માહિતગાર કરેલ.
આ વાર્ષિક સાધારણ સભા પ્રસંગે વર્ષ ૨૦૨૬-૨૮ માટે નવ નિયુક્ત પ્રમુખ તેજસભાઈ શેઠ અને ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયાએ પદ ગ્રહણ કરેલ.
નવ નિયુક્ત પ્રમુખ તેજસભાઈ શેઠએ તેમના ઉદબોધનમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર ચેમ્બર માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભાવનગર અને સમગ્ર પ્રદેશના વેપાર-ઉદ્યોગ અને સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત રહેતું એક મજબૂત મહાજન છે. વર્ષો સુધી અનેક આગેવાનો અને વડીલોના માર્ગદર્શન હેઠળ ચેમ્બરે જે પ્રતિષ્ઠા, માન અને વિશ્વાસનિયતા પ્રાપ્ત કરી છે, તેને વધુ ઊંચાઈએ લઇ જવાનો હું અને મારી ટીમ સંપૂર્ણ પ્રયત્ન કરીશું. વધુમાં તેઓએ જણાવેલ કે ભાવનગર જીલ્લા પાસે વિશાળ કોસ્ટલ એરિયા અને કુદરતી સંપતી છે જે આ જીલ્લાની સૌથી મોટી તાકાત છે. ભાવનગર શહેર અને જીલ્લાના અનેક ઉદ્યોગોએ દેશ અને દુનિયામાં ખ્યાતી પ્રાપ્ત કરી છે. હજૂ પણ ભાવનગર પાસે ઘણી ઔદ્યોગિક તકો છે. જેવીકે શીપ બિલ્ડીંગ, ટુરીઝમ, રીન્યુએબલ એનર્જી, એગ્રો પ્રોસેસિંગ વગેરેનો સમાવેશ થાય છે અને ભવિષ્યમાં સ્ટીલ પ્લાન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સની સ્થાપના માટે સાનુકુળ સંજોગો છે. હું સૌને સાથે રાખી કામગીરી કરવામાં માનું છુ અને સહિયારા પ્રયત્નો અને પુરુષાર્થ દ્વારા ભાવનગરના વિકાસને નવી ગતી આપવા સતત અને સધન પ્રયત્નો કરીશ.
નિવૃત થતા પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાએ તેમના ૨ વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલ કામગીરીની વિસ્તૃત છણાવટ કરેલ અને જણાવેલ કે એર કનેક્ટીવીટી, રેલ કનેકટીવીટી, રોડ કનેકટીવીટી વગેરે સુવિધાઓમાં વધારો કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલ જે સફળ થયેલ છે તેમજ તેમના કાર્યકાળના બે વર્ષ દરમિયાન સાથ અને સહકાર આપનાર ચેમ્બરનાં તમામ સભ્ય, વિવિધ એસોસીએશનો, પદાધિકારીઓ, જીલ્લા વહીવટી તંત્ર અને પ્રેસ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિકસ મીડિયાનાં પ્રતિનિધિઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ.






