રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના ઉત્સવ તરીકે ઉજવાતા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં પાલિતાણાના વિજાનાનેસ ગામે વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ નોંધાવી તંત્રની પોલ ખોલી નાખી છે. ગામની શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકો હાથમાં બેનરો લઈને પહોંચ્યા હતા. જેમાં મુખ્યત્વે બે માગણીઓ હતી: ગામથી શાળા સુધીનો પાકો રસ્તો અને વન્ય પ્રાણીઓના ત્રાસમાંથી મુક્તિ. વિદ્યાર્થીઓએ અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવતા પૂછ્યું હતું કે, “અમને શિક્ષણ મેળવવું છે પણ સુરક્ષિત રસ્તો ક્યારે મળશે?”
ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાકો રસ્તો ન હોવાથી અને વન્ય પ્રાણીઓનો ત્રાસ હોવાથી વાલીઓએ બાળકોને મૂકવા ફરજિયાત રોજ સાથે આવવું પડે છે, જેનાથી રોજગાર પર અસર પડે છે. વળી, દર ચોમાસામાં નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જાય છે. અગાઉ અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તા પર પાળો અને નાળું બનાવવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ બાળકોની સુરક્ષા માટે ક્યારે જાગશે.




