ભાવનગર,તા.૬
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આયોજિત ચતુર્થવિધ સન્માન સમારોહ રવિવારના રોજ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે યોજાયો હતો.
સ્કાઉટ ગાઈડ પ્રાર્થના બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. રાજ્યપાલ એવોર્ડ પ્રાપ્ત કરનાર, ૧૯મી નેશનલ જાંબોરીમાં રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરેલ, રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ રોવર રેંજર જાંબોરીમા ભાગ લીધેલ રોવર્સ, ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ સી કેમ્પમા ભાગ લેનાર વિદ્યાર્થીઓ મળીને શહેરની ૧૭ જેટલી શાળા સંસ્થાના કુલ ૧૬૫ સ્કાઉટ ગાઈડ, રોવર્સ રેંજર્સ તથા છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં યોગદાન આપતા ૧૨ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડો. નિકુંજભાઈ મહેતા,જી સી ઈ આર ટી ગાંધીનગરના પૂર્વ નિયામક ડો. નલીનભાઈ પંડિત, પરેશભાઈ ત્રિવેદી, કેતનભાઈ પંડયા, હિરેનભાઈ ભટ્ટ, જિલ્લા સંઘના પ્રમુખ નિશિથભાઈ મહેતા, સ્કાઉટ કમિશનર જયેશભાઈ દવે, ગાઈડ કમિશનર દર્શનાબેન ભટ્ટની ખાસ ઉપસ્થિત રહી હતી.? કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં જીવન ઘડતર અને સંસ્કાર સિંચનની આ પ્રવૃત્તિમાં જોડાયેલા બાળકોને અને તેમના માતા-પિતાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રવૃત્તિ શરૂ થઈ તે માટે ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્કાઉટિંગ પ્રવૃત્તિ રાજયની તમામ સરકારી શાળાઓમાં શરૂ થાય તે માટે સરકાર તમામ પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું અને નવી પેઢી આવી પ્રવૃત્તિ દ્વારા ઘડાઈ રહી છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો.?
ભાવનગરની સ્કાઉટિંગ પ્રવૃત્તિને ૧૦૩મુ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે કાર્યક્રમ દરમિયાન જિલ્લા મંત્રીઅજયભાઈ ભટ્ટ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી, દિવાન પ્રકાશંકર પટણી, શશીભાઈ પટણી,અનંતભાઈ પટણી,પૂ માનભાઈ ભટ્ટને યાદ કરવામાં આવ્યા હતા અને એમના દ્વારા શરૂ થયેલ પ્રવૃતિ આજે પણ ભાવનગરમાં ચાલી રહી છે તે ગૌરવશાળી ઘટના ગણાવી હતી તો પ્રારંભે સહુને આવકારતા જિલ્લા સ્કાઉટ કમિશનર જયેશભાઈ દવેએ સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં બાળકોને જોડનાર વાલીઓ અને શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા પ્રવીણભાઈ મકવાણા, સરલાબેન સાકરળીયા, કાજલબેન પંડ્યા, અલ્પાબેન, દીપકભાઈ, માર્ગેશભાઈ દ્વારા સુંદર જહેમત ઉઠાવાઈ હતી.





