ભાવનગર,તા.૭
ભાવનગર સિંચાઈ યોજના વર્તુળના ફ્લડસેલ દ્વારા જિલ્લાના તમામ નાના-મોટા જળાશયોની સપાટીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે નદી-નાળા છલકાઈ જતાં ડેમોમાં પાણીની ઐતિહાસિક આવક નોંધાઈ રહી છે. ફ્લડસેલના અહેવાલ અનુસાર, જિલ્લાના કુલ ૨ ડેમ સંપૂર્ણ છલકાયા છે, જ્યારે અન્ય ૩ ડેમ પોતાની ઓવરફ્લો (છલકાવાની) સપાટીની અત્યંત નજીક પહોંચી ગયા છે.
આંકડાકીય વિગત મુજબ, પાલીતાણા તાલુકાનો સુપ્રસિદ્ધ શેત્રુંજી ડેમ તેની ૫૫.૫૩ મીટરની પૂર્ણ સપાટીએ પહોંચીને છલકાઈ ગયો છે, જ્યારે મહુવા તાલુકાનો માલણ ડેમ પણ ૧૦૪.૨૫ મીટરની સપાટી સામે ૧૦૪.૩૨ મીટર પાણી સાથે ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ઉપરાંત, જિલ્લાના અન્ય ૩ મહત્વના ડેમો ગમે ત્યારે છલકાય તેવી સ્થિતિમાં છે, જેમાં ધારી તાલુકાનો ખોડિયાર ડેમ (૨૦૨.૬૮ મીટર સામે ૨૦૨.૫૦ મીટર), ઉમરાળાનો રંધોળા ડેમ (૬૨.૫૦ મીટર સામે ૬૨.૩૫ મીટર) અને મહુવાનો રોજકી ડેમ (૯૯.૦૬ મીટર સામે ૯૮.૯૬ મીટર) ઓવરફ્લો લાઇનથી માત્ર ગણતરીના સેન્ટિમીટર જ છેટે છે.
અન્ય જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, પાલીતાણાનો હણોલ ડેમ ૮૯.૩૦ મીટર (ઓવરફ્લો ૯૦.૧૦ મીટર) અને રજાવળ ડેમ ૫૪.૯૫ મીટર (ઓવરફ્લો ૫૬.૭૫ મીટર)ની સપાટીએ પહોંચ્યો છે. તળાજા તાલુકાનો પીંગળી ડેમ ૫૦.૦૦ મીટર, હમીરપરા ડેમ ૮૩.૨૦ મીટર અને જસપરા (માં) ડેમ ૩૦.૦૦ મીટરની સપાટી ધરાવે છે. જ્યારે પાલીતાણાનો ખારો ડેમ ૫૧.૯૦ મીટર, મહુવાનો બગડ ડેમ ૫૭.૪૬ મીટર અને ભાવનગર તાલુકાનો લાખણકા ડેમ ૪૧.૨૦ મીટરની સપાટીએ પહોંચ્યો છે. મોટાભાગના ડેમોમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત થતાં આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થશે, જેથી લોકો અને ખેડૂતોમાં ભારે હરખની હેલી જોવા મળી રહી છે.






