અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષીય માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની
એક પરિચિત મહિલાએ રૂ. એક લાખની લોનની ભરપાઈ માટે તેમની એક મહિનાની દીકરીને વેચી
નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમની નવજાત દસ દિવસ બાદ તેમને પાછી મળ્યા બાદ તેમણે
પોલીસનો સંપર્ક સાધ્યો હતો, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર આ દંપતી અગાઉ હાથીજણ રહેતું હતું અને રેસ્ટોરાંમાં કામ કરતું હતું. અહીં
પડોશમાં રહેતી આરોપી મહિલા સાથે તેમના ઘરજેવા સંબંધો હતા. ચારેક મહિના પહેલા ઓટોરિક્ષા
ખરીદવા માટે તેમણે આરોપી પાસેથી રૂ. એક લાખ ઉછીના લીધા હતા અને ત્યારબાદ 3જી જૂને મહિલાએ
એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આરોપી મહિલાએ લોનના પૈસા માગવાની શરૂઆત કરી
હતી.
બાળકીના જન્મના 20 દિવસ બાદ દંપતી જ્યારે આરોપીના ઘરે ગયું ત્યારે આરોપી મહિલાએ કથિત રીતે
બાળકીની માગણી કરી અને તેના બદલામાં એક લાખની લોન માફ કરી દેવાની અને વધારાના બે લાખ
રૂપિયા આપવાની વાત કરી હતી અને બાળકીને સારી રીતે ઉછેરશે એમ જણાવશે. જોકે દંપતીએ આ
વાતનો ઇનકાર કર્યો હતો. જોકે ફરિયાદી મહિલા ઘરના કમકાજ કરી શકતી ન હોવાથી તેઓ આરોપીના
ઘરે જમવા જતા હતા.
લગભગ દસેક દિવસ પહેલા આરોપી મહિલા તેમના ઘરે આવી બાળકીને રમાડવાને બહાને લઈ ગઈ
હતી. મોડે સુધી તે પરત ન ફરતા દંપતીએ તેમને પૂછ્યું ત્યારે મહિલાએ બાળકીને અન્ય પરિવારને વેચી
દીધી હોવાનું કહ્યું હતું અને તે હવે પાછી નહીં આવે તેમ પણ કહ્યું હતું. તેને વારંવાર વિનંતી કરવા છતા
બાળકીને પરત આપી ન હતી. દસેક દિવસ બાદ શનિવારે તે પરત આપી હતી. ત્યારબાદ શોકમાં ડૂબેલી
માતાએ પોલીસ ફરિયાદ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આગળ
ધરી છે.






