શહેરના ચાવડીગેટ વિસ્તારમાં નાણાકીય લેવડ-દેવડ અને જૂની અદાવત મુદ્દે બે ડ્રાઈવરો વચ્ચેની માથાકૂટ લોહિયાળ બની હતી. એમ્બ્યુલન્સ ચાલક જીતેન ચાવડા અને લક્ઝરી બસના ડ્રાઈવર નુરમહમદ શેખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જાહેરમાં સામસામે છરીના ઘા ઝીંકાયા હતા. આ જીવલેણ હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે બંને પક્ષે એકબીજા વિરુદ્ધ બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પોલીસમાં સામસામી (ક્રોસ) ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાતિવિષયક ગાળો આપી યુવાનને છાતી અને હાથના ભાગે છરીના ઘા ઝીંક્યા
ભાવનગરના વિદ્યાનગર, ગાંધી કોલોનીમાં રહેતા અને એમ્બ્યુલન્સ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જીતેનભાઈ કિરીટભાઈ ચાવડા ઉ.વ. ૨૬) પર ચાવડીગેટ વિસ્તારમાં જીવલેણ હુમલો કરાયો હતો. તેને ઇજા થતા બીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ જ્યાં તેને નોંધાવેલી ફરિયાદ મુજબ, ચારેક દિવસ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખીને નૂરમહંમદ રજાકભાઈ શેખે તેમને ફોન પર જાતિવિષયક ગાળો આપી ચાવડીગેટ બોલાવ્યા હતા. જીતેનભાઈ ચામુંડા પાન સેન્ટર પાસે ઊભા હતા ત્યારે, નૂરમહંમદે ત્યાં આવીને ગાળો બોલી ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કર્યો હતો. તેણે જીતેનભાઈને ડાબા પડખે છાતીથી પેટ સુધી, ડાબા હાથના બાવડા પર અને જમણા હાથના અંગૂઠા પર છરીના ગંભીર ઘા ઝીંક્યા હતા.
વધુ મારથી બચવા માટે જીતેનભાઈએ પણ નૂરમહંમદ પાસેથી છરી ઝૂંટવીને સ્વબચાવમાં વળતા ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં જીતેનભાઈને પ્રથમ સર ટી. હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે બીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે નૂરમહંમદ શેખ વિરુદ્ધ બી.એન.એસ કલમ 118(1), 118(2), 351(2), 351(3), 352તથા અનુસુચિત જાતી અને અનુ. જન, જાતી પ્રતિબંધ અધિનિયમ 3(1)(r), 3(1)(s), 3(2) (va) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






