અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ પહેલી જ વખત જો બાઇડેનના સૌથી નિમ્ન રેટિંગ ૩૩ ટકાએ પહોંચી ગયુ છે. ટ્રમ્પનું પહેલી ટર્મમાં નીચામાં નીચું રેટિંગ ૩૪ ટકા હતુ અને બીજી ટર્મમાં બે વર્ષ પૂરા થતાં પહેલાં તેમનું રેટિંગ ૩૩ ટકાએ પહોંચી ગયુ તે બતાવે છે કે તેમના પ્રત્યે લોકોની નારાજગી કેટલી વધી રહી છે. તેમા પણ ઇરાન યુદ્ધનો અપેક્ષિત અંત લાવવામાં નિષ્ફળતાથી લોકો વધુ ભડક્યા છે.
મોટાભાગના અમેરિકનો માની રહ્યા છે કે ટ્રમ્પ જે ઇરાન યુદ્ધ લડી રહ્યા છે તેનો કોઈ અર્થ જ નથી. દર દસમાંથી માંડ બે અમેરિકન ઇરાન યુદ્ધને સમર્થન આપે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ટ્રમ્પ અમેરિકા હવે કોઈ નવું યુદ્ધ શરૂ કરે તેવું વચન આપીને સત્તા પર આવ્યા હતા અને હવે તે પણ અગાઉના પ્રમુખો જેવા યુદ્ધખોર હોવાનું અમેરિકન પ્રજાને લાગવા માંડયું છે. એસોસિયેેટેડ પ્રેસ-નોર્ક સેન્ટરનો આ પોલ ૨૩થી ૨૭ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યો હતો. આમ ટ્રમ્પનું રેટિંગ દર મહિને ઉત્તરોતર ઘટવા લાગ્યુ છે, જે નવેમ્બરમાં મિડ ટર્મ ચૂટણી છે ત્યારે રિપબ્લિકન માટે ચિંતાજનક બાબત છે.
અમેરિકાએ મધ્યપૂર્વમાં યુદ્ધ શરુ કર્યાને પાંચ મહિના વીતી ગયા હોવા છતાં પણ તેઓ હજી સુધી આ યુદ્ધનો અંત પણ લાવી નથી શક્યા કે યુદ્ધના મોરચે એવો કોઈ મોટો વિજય પણ મેળવી શક્યા નથી કે જેથી કહી શકાય કે અમેરિકાએ આ યુદ્ધમાં મેદાન માર્યા. આવી કોઈ સિદ્ધિ મેળવ્યા વગર અમેરિકા ૧૮ સૈનિકો ગુમાવી ચૂક્યું છે. એક સમયે તો ટ્રમ્પના કટ્ટર સમર્થક મનાતા રિપબ્લિકનો માટે પણ હવે ટ્રમ્પનો બચાવ કરવો અઘરો થઈ ગયો છે. ટ્રમ્પ દ્વારા ઇરાનના મુદ્દાને હેન્ડલિંગ કરવાને લઈને તેમનું સમર્થન કરનારા રિપબ્લિકનોની ટકાવારી જૂનના ૭૧ ટકાથી ઘટીને જુલાઈમાં ૬૧ ટકા થઈ ગઈ હતી.
ટ્રમ્પના કટ્ટર સમર્થકો પણ હવે માનવા લાગ્યા છે કે યુદ્ધનો અંત સરળતાથી નહીં આવે. તેમને ટ્રમ્પના શાસન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દર દસમાંથી માંડ બે વ્યક્તિ ઇરાન મોરચે લશ્કરી કાર્યવાહી જારી રાખવાના સમર્થનમાં છે. જ્યારે દર દસમાંથી ત્રણનું કહેવું છે કે ઇરાનમાં લશ્કરી કાર્યવાહી અટકાવી દેવી જોઈએ. જ્યારે દર દસમાંથી બે જણ તો કહે છે કે યુદ્ધ સંપૂર્ણપણે અટકાવી દેવું જોઈએ, જ્યારે બાકીના ત્રણ જણાને શું કરવું તેની ખબર નથી. આમ કોઈપણ આ યુદ્ધના સમર્થનમાં નથી.આ સિવાય દર દસમાંથી સાત અમેરિકન એટલે કે ૭૨ ટકા લોકો માને છે કે ઓઇલ અને ગેસના ભાવમાં થતો વધારો અટકાવવો સૌથી જરૂરી છે. માર્ચમાં આ ટકાવારી ૬૭ ટકા હતી. આ બાબત સીધી અમેરિકનોના ખિસ્સા પર અસર કરે છે. અમેરિકામાં ગેસનો ભાવ પ્રતિ ગેલન ૪ ડોલરની ઉપર છે. ગેસોલીનના ઊંચા ભાવ અમેરિકનો માટે અત્યંત કપરી બાબત છે.






