આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતી અસ્થિરતા અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો કરી દીધો છે.
સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યા જેમાં પેટ્રોલ નિકાસ શુલ્કમાં પ્રતિ લીટર રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. હવે પેટ્રોલ પર નિકાસ શુલ્કપ્રતિ લીટર રૂ.2.5થી વધીને રૂ. 3.5 થઈ ગયું છે.ડીઝલના નિકાસ પર સૌથી મોટો ફટકો પડ્યો છે. SAED અને અન્ય ટેક્સ મળીને ડીઝલ પર લગભગ રૂ. 10પ્રતિ લીટર સુધીનો વધારો કરાયો છે, જેનાથી હવે કુલ શુલ્ક રૂ. 25.5 થઈ ગયું છે વિમાનોમાં વપરાતા ઈંધણ પર નિકાસ શુલ્ક રૂ. 7.5 પ્રતિ લીટર વધારીને રૂ. 22 કરી દેવામાં આવ્યું છે, જે પહેલા રૂ. 14.5 પ્રતિ લીટર હતું.
આ ટેક્સ ભારતની અંદર વેચાતા પેટ્રોલ-ડીઝલ પર નહીં, પરંતુ ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલીયમ કે હિન્દુસ્તાન પેટ્રોલીયમ જેવી રિફાઇનિંગ કંપનીઓ દ્વારા વિદેશમાં નિકાસ કરાતા તેલ પર લગાવવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રિફાઇનરીઓ વધુ નફો કમાવવાના ચક્કરમાં દેશ બહાર તેલ ન મોકલી દે અને દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત ન સર્જાય. આ સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતા નફા પર અંકુશ મેળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.




