આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાં આજે મોટો ધડાકો જોવા મળ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તંગદિલી પાછળ કૂટનીતિક હલચલ તેજ થતાં વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 4.5 ટકા ગબડીને 79.96 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. લાંબા સમય પછી ક્રૂડ ઓઇલનો ભાવ 80 ડોલરની નીચે આવતાં વૈશ્વિક અર્થતંત્રને મોટી રાહત મળી છે. ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ યુએસ અને ઈરાન વચ્ચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ફરીથી ખોલવા માટે સંભવિત કરાર થવાની અટકળો મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સાથે ફરી એકવાર ક્રૂડ ઓઈલની કિંમતો ઘટતા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળે તેવી શક્યતા છે.
અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યા હતા કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ખોલવા અંગે આજે કે કાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઓવલ ઓફિસમાંથી દાવો કર્યો હતો કે ઈરાન સાથે વાતચીત “ચાલુ છે” અને આ ઈરાન માટે કરાર કરવાની “છેલ્લી તક” છે.
અમેરિકાના દાવાઓથી વિપરીત ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. તેહરાને સ્પષ્ટ કર્યું છે કે તેમની અમેરિકા સાથે સીધી કોઈ નવી વાટાઘાટો ચાલી રહી નથી કે આવી કોઈ બેઠકનું આયોજન પણ નહોતું. જોકે, ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝની ખાડીમાં એક કામચલાઉ ‘શિપિંગ કોરિડોર’ બનાવવા અંગે ચર્ચા ચાલુ છે. યુએસ વિદેશ મંત્રી માર્કો રૂબિયોના જણાવ્યા મુજબ, હાલનો પ્રાથમિક હેતુ વેપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે. પરંતુ, ઈરાન દ્વારા જહાજો પર ટોલ કે ટેક્સ (શુલ્ક) વસૂલવાની શરત સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો હોવાથી હજુ આખરી સંમતિ બની શકી નથી.
ઇન્વેસ્ટમેન્ટરોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં બ્રેન્ટ ક્રૂડ 80 થી 90 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ કરી શકે છે. નિષ્ણાતોના મતે, જો અમેરિકા અને ઈરાન વચ્ચે ઔપચારિક કરાર થઈ જશે તો ઓઇલના ભાવમાં વધુ નરમાઈ જોવા મળશે. પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે અથવા પ્રદેશમાં ફરીથી સૈન્ય તણાવ વધશે તો ક્રૂડ ઓઇલનો ભાવ ફરીથી 90 ડોલર તરફ સરકી શકે છે.






