અમેરિકામાં H-1B વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર 1,00,000 ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ 18 સપ્ટેમ્બર, 2026ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે.
H-1B એ અમેરિકાનો એક એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે. ટ્રમ્પ પ્રશાસને 2025માં H-1B વિઝા માટે 1,00,000 ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે 2000થી 5000 ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી 1 લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે.






