દેશની રાજધાની દિલ્હીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ કાલકાજી મંદિર નજીક એક 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની શરમનાક ઘટના સામે આવી છે. આસ્થા કુંજ પાર્કમાં બની આ ઘટના બાદ દિલ્હી પોલીસે ત્વરિત અને આકરી કાર્યવાહી કરી છે. પોલીસે મોડી રાત્રે અમર કોલોની વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ ગેંગરેપના મુખ્ય આરોપીઓમાંથી એક આસિફ નામના બદમાશની ધરપકડ કરી લીધી છે.
પોલીસ અહેવાલ અનુસાર, સોમવારે સાંજે આશરે 7 વાગ્યે 17 વર્ષની પીડિત કિશોરી તેના મિત્ર સાથે કાલકાજી મંદિરે દર્શન કરવા ગઈ હતી. દર્શન કર્યા બાદ બંને આશરે 7:30 વાગ્યે પાસેના આસ્થા કુંજ પાર્કમાં બેઠા હતા. આ દરમિયાન 25 થી 30 વર્ષની વયના ત્રણ અજાણ્યા યુવકો ત્યાં પહોંચ્યા હતા. પોતાને પોલીસકર્મી ગણાવીને તેમણે બંને સગીરોને ધમકાવવાનું શરૂ કર્યું હતું.આરોપીઓ પૈકી એક શખ્સે સગીર છોકરાને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ ત્રણેય આરોપીઓએ સગીરા પર સામૂહિક આચર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય નરાધમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. રાત્રે પોણા નવ વાગ્યે પીસીઆર કોલ મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક પાર્ક ખાતે પહોંચી હતી અને પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડી હતી.
દિલ્હી પોલીસે આ કેસમાં પોક્સો (POCSO) એક્ટ અને બળાત્કારની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આસપાસના સીસીટીવી (CCTV) ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અમર કોલોની વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં ઓખલા મંડીમાં કામ કરતો આસિફ નામનો આરોપી પકડાઈ ગયો હતો. દિલ્હી પોલીસ બાકીના બે ફરાર આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે.






