ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ આ રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગએ મુંબઈ, થાણે અને સિંધુદુર્ગ સહિત મહારાષ્ટ્રના ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારત હવામાન વિભાગ (IMD) એ ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ પ્રદેશોના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. મંગળવારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાઈવે અને રહેણાંક વસાહતોમાં પાણી ભરાઈ ગયા હતા.