ભૂતાનમાં શિંતાફૂ ગ્લેશિયર સરોવર ફાટવાની ગંભીર કુદરતી હોનારત સર્જાતાં ભારતના સરહદી વિસ્તારોમાં પૂરનો ખતરો ઊભો થયો છે. ભૂતાનના ગાસા જિલ્લામાં આવેલા શિંતાફૂ સરોવરનો કુદરતી બંધ તૂટી જતાં વિશાળ જળરાશિ મોફુર નદી મારફતે સંકોશ નદી તરફ ધસમસતી આગળ વધી રહી છે. આ ઘટનાને પગલે ભારત સરકાર અને હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ તથા આસામના અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને રાતોરાત અંદાજે 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ભૂતાનના લુંગો વિસ્તારમાં વાકિલા પર્વતની નીચે આવેલા શિંતાફૂ સરોવરમાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ છૂટતાં નદીકાંઠાના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોને સાવચેત કરવા માટે રાતભર સાયરનો વગાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના તુફાનગંજ અને બોક્સીરહાટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં NDRF અને SDRFની બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળના વનમંત્રી મનોજ કુમાર ઉરાંવે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જાહેર કરીને સંકોશ નદીના કિનારે વસતા લોકોને તાત્કાલિક ઘર ખાલી કરી સલામત અને ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની અપીલ કરી છે. ખાસ કરીને અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ભારત સરકારની સત્તાવાર એડવાઈઝરી મુજબ, ભૂતાનમાં પુનાત્સાંગછૂ તરીકે ઓળખાતી અને ભારતમાં પ્રવેશ્યા બાદ સંકોશ નદી તરીકે ઓળખાતી નદીના ઉપરવાસમાં અચાનક પૂર આવતાં ભારતીય સરહદ સુધી પાણી પહોંચવામાં 6થી 8 કલાકનો સમય લાગી શકે છે. આથી દાર્જિલિંગના પહાડી વિસ્તારો, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શિંતાફૂ સરોવર ભૂતાનની 17 અત્યંત જોખમી ગ્લેશિયર સરોવરો પૈકીનું એક છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં બરફ પીગળવાથી સરોવરમાં પાણીનો જથ્થો સતત વધ્યો હતો. પાણીનું દબાણ અસહ્ય બનતાં કુદરતી બંધ તૂટી ગયો અને વિશાળ જળરાશિનો પ્રવાહ છૂટ્યો હતો. આ ઘટનાએ ભારત અને ભૂતાન બંને દેશોના વહીવટી તંત્રની ચિંતા વધારી છે. હાલ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા બચાવ અને રાહત કામગીરી માટે તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે.






