ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં અત્યારે ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં અલગ અલગ દેશોમાં આવેલા ભૂકંપના કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. ભારતમાં પણ કેટલાક સમયથી અલગ અલગ રાજ્યોમાં ધરા ધ્રુજી રહી છે. તેવામાં અત્યારે મિઝોરમમાં ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ નથી, તેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ભૂકંપની જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે મિઝોરમના ચંફાઈ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. મિઝોરમમાં આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યાં પ્રમાણે આ ભૂકંપ મંગળવારે રાત્રે 11.45 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં 24 કિમી નીચે નોંધાયું હતું. નજીવા ભૂકંપના આંચકાના કારણે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ભારતમાં આવેલા અન્ય ભૂકંપની વાત કરીએ તો, શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. વહેલી સવારે આવેલા ભૂકંપની તીવ્રતા 3.6ની નોંધાઈ હતી. લોકો સવારે પોતાના ઘરોમાં સુઈ રહ્યાં હતા, ત્યારે આ ભૂકંપ આવતા સત્વરે તેઓ ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ભૂકંપની તીવ્રતા વધારે નહોતી પરંતુ ધરતી ધુર્જી તેનો અહેસાસ થયા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ભૂકંપના કારણે થોડા સમયથી અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો.
————————–






