રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં વધુ એક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. યુક્રેનના જાપોરિજ્જિયા વિસ્તારમાં આવેલા કમિશુવાખા ગામમાં શિયન વાયુસેનાએ એક બંધ સ્કૂલની ઈમારતને નિશાન બનાવીને ભયાનક એરસ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં 40 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે. રશિયા દ્વારા ચાલુ વર્ષે સામાન્ય નાગરિકો પર કરવામાં આવેલા સૌથી ભયાનક અને ઘાતકી હુમલાઓ પૈકીનો આ એક હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ શાળા યુદ્ધ ક્ષેત્રની ખૂબ જ નજીક હોવાથી લાંબા સમયથી બંધ હતી. જોકે, દર સોમવારે સ્થાનિક જરૂરિયાતમંદ નાગરિકોને અહીં રાહત સામગ્રી વહેંચવામાં આવતી હતી અને લોકો તેનો શરણાર્થી સ્થળ તરીકે પણ ઉપયોગ કરતા હતા. જે સમયે નાગરિકો રાહત સામગ્રી લેવા પહોંચ્યા હતા, ત્યારે જ રશિયન લશ્કરે તેના પર હવાઈ બોમ્બ ફેંક્યા હતા. પ્રાથમિક હુમલા બાદ જ્યારે બચાવ કામગીરી શરૂ થઈ ત્યારે રશિયાએ ફરીથી તે જ સ્થળે બીજો બોમ્બમારો કર્યો હતો.
યુક્રેનની ઇમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બચાવ ટુકડીના 2 સભ્યો અને 4 પોલીસકર્મીઓ પણ સામેલ છે. હુમલાના બે દિવસ બાદ પણ ઘટનાસ્થળેથી ભારે મશીનરી વડે મલબો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સૈનિકો અને રાહતકર્મીઓ હજુ પણ કાટમાળ નીચે કોઈ જીવિત મળી આવે તેવી આશા સાથે સતત શોધખોળ કરી રહ્યા છે. બચાવ કામગીરી દરમિયાન સૈનિકો આકાશમાં રશિયન ડ્રોન પર પણ નજર રાખી રહ્યા છે.





