પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સ્થાપક ઇમરાન ખાને પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હાલમાં અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાને દાવો કર્યો છે કે તેમની તબિયત સતત બગડી રહી છે અને જેલની હાલની પરિસ્થિતિમાં તેઓ કદાચ જીવતા બહાર નહીં આવી શકે. તેમણે આ અંગે પાકિસ્તાનની અદાલતોના મુખ્ય ન્યાયાધીશોને એક પત્ર લખીને પોતાના અને પત્ની બુશરા બીબીના યોગ્ય ઇલાજની માગ કરી છે. સોમવાર, 16 નવેમ્બરના રોજ લખવામાં આવેલા આ પત્રમાં ઇમરાન ખાને પોતાની તબિયત, એકાંત કેદ અને જેલમાં મળતી તબીબી સુવિધાઓ અંગે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પાકિસ્તાનની ફેડરલ કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ, સુપ્રીમ કોર્ટ અને ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સંબોધીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
ઇમરાન ખાને પત્રમાં જણાવ્યું કે તેમણે જીવનનો મોટો ભાગ એવા લોકો માટે હોસ્પિટલો બનાવવામાં વિત્વાયો છે, જેઓ સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. પરંતુ આજે તેમનો પોતાને અને પત્નીને યોગ્ય તબીબી સારવાર મેળવવા માટે અદાલતોના દરવાજા ખખડાવવા પડી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે એકાંત કેદમાં રહેવાને કારણે તેમનું બ્લડ પ્રેશર સતત વધી રહ્યું છે. શરુઆતમાં 130થી વધીને 150 અને ત્યારબાદ 170 સુધી પહોંચ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે તે 192 અને 10 નવેમ્બરના રોજ 193 સુધી પહોંચી ગયું હતું. ઇમરાનના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરોએ તેમને બ્રેઇન હેમરેજ અને હૃદયરોગના ગંભીર જોખમ અંગે ચેતવણી આપી છે. તેમણે લખ્યું કે 74 વર્ષની ઉંમરે સતત બગડતી તબિયતને કારણે તેમને ડર છે કે તેઓ જેલમાંથી જીવતા પાછા નહીં ફરી શકે.
ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે તેમને દરરોજ લગભગ 22 કલાક એકાંત કેદમાં રાખવામાં આવે છે. આ દરમિયાન તેમને પરિવારના સભ્યો, વકીલો અને વિદેશમાં રહેતા પોતાના પુત્રો સાથે વાતચીત કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે જેલમાં તેમને પુસ્તકો વાંચવા અને ટેલિવિઝન જોવાની સુવિધા પણ આપવામાં આવતી નથી. લાંબા સમય સુધી એકાંતમાં રહેવાને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. ઇમરાનના જણાવ્યા પ્રમાણે, જેલના મેડિકલ બોર્ડે પણ તેમની બેચેની અને ચિંતાને ધ્યાનમાં લઈને પરિવાર સાથે સંપર્ક વધારવાની ભલામણ કરી હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી.






