ઓસ્ટ્રેલિયાની સંસદે બુધવારે ઓનલાઇન સેફ્ટી કાયદો પસાર કર્યો છે. આ કાયદો પસાર થવાના લીધે જો ટેક જાયન્ટ્સ એટલે કે મહાકાય ટેકનોલોજી કંપનીઓ ઓનલાઇનના કારણે થતું નુકસાન અટકાવવામાં નિષ્ફળ ગઈ તો અબજો ડોલરના દંડનો સામનો કરવો પડી શકે છે. ઓસ્ટ્રેલિયાના વિપક્ષે આ કાયદા સામે ચેતવણી આપતા જણાવ્યું હતું કે આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સેન્સરશિપ લાદવા દોરી જઈ શકે છે. ડિજિટલ ડયુટી ઓફ કેર એક્ટ ઇયુ-બ્રિટિશ કાયદા જેવો જ છે.
ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ કાયદો ૯૭ વિ. ૪૩ મતથી પસાર થયો હતો. વડાપ્રધાન એન્થની આલ્બાનીઝે પત્રકારોને જણાવ્યું હતું કે આ કાયદો આપણા સમાજ અને બાળકોને ઓનલાઇનના લતથી થતી નુકસાન સામે સંરક્ષણ પ્રદાન કરે છે. આના પગલે હવે ટેક પ્લેટફોર્મ્સની જવાબદારી થઈ પડે છે તે તે સલામત ઓનલાઇન વાતાવરણ પૂરુ પાડે. આ આપણા લોકોને અને બાળકોનો વિજય છે. બાળક નાનું હોવાથી તેને ડિજિટલ વર્લ્ડના જોખમની ખબર હોતી નથી, એમ આલ્બાનીઝે જણાવ્યું હતું. પરંતુ હવે ડિજિટલ વર્લ્ડ પરિપક્વ થયુ છે અને તેને સરળતાથી હાથવગુ છે અને તેમા સુધારો કરી શકાય છે.
વિપક્ષના નેતા એન્ગસ ટેલરેસંસદમાં જણાવ્યું હતું કે તેમનો પક્ષ કન્ઝર્વેટિવ લિબરલ પાર્ટી ૨૦૨૮માં સત્તા પર આવ્યો તો આ કાયદો દૂર કરશે. તેમણે આ કાયદાના સરમુખત્યારશાહીનું પ્રતીક ગણાવ્યો હતો. ટેલરે જણાવ્યું હતું કે આ બિલ બીજું કશું જ નહીં પમ અલગ જ સ્વરૂપમાં લાદવામાં આવેલી પોલિટિકલ સેન્સરશિપ છે. સરકારે માઇનર ગ્રીન પાર્ટી સાથે સમજૂતી સાધી લેતા તે સેનેટમાં બહુમત ન હોવા છતાં પણ કાયદો પસાર કરાવી શક્યું હતું. આજે બિગ ટેક કંપનીઓના નફાની સામે ઓસ્ટ્રેલિયન અને તેમના બાળકોની ઓનલાઇન સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે,મોટી ટેક કંપનીઓને અમારો સંદેશો સ્પષ્ટ છે, તમારા પ્લેટફોર્મ્સને અમારા માટે સલામત કરો, નહીં તો આપણે કોર્ટમાં મળીશું






