જમ્મુ કાશ્મીરમાં પહેલગામ હુમલા પૂર્વે ચીનના સેટલાઇટ ભારત પર બાજ નજર રાખતા હોવાના અહેવાલ બાદ વિદેશ મંત્રાલયે તેનો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું છે કે મંત્રાલયે આ બાબત અંગેના વિવિધ અહેવાલોની નોંધ લીધી છે અને ભારત સુરક્ષાના દૃષ્ટિકોણથી તમામ જરૂરી પગલાં લઇ રહી છે.
રણધીર જાયસ્વાલે સ્પષ્ટ કહ્યું કે ભારત આવી તમામ ઘટનાઓ અને ગતિવિધિઓ પર સતત નજર રાખે છે. તેમણે કહ્યું, ‘અમે આ વિષય પર ઘણા અહેવાલો પણ જોયા છે. હું તમને જણાવવા માંગુ છું કે અમે આવી તમામ ઘટનાઓ અને ગતિવિધિઓ પર નજર રાખીએ છીએ અને સુરક્ષાના દૃષ્ટિકોણથી જરૂરી તમામ બાબતો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી મંત્રણા અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત ચાલુ છે. તેમજ તાજેતરમાં પૂર્વીય ક્ષેત્રમાં બંને પક્ષોના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીમાનું સંચાલન અને વાસ્તવિક નિયંત્રણ રેખા સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જાયસ્વાલે કહ્યું કે આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. તેમણે ભારત અને રશિયા વચ્ચેના તાજેતરના રાજદ્વારી સંપર્કોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, રશિયા તરફથી અનેક સ્તરો પર વાતચીત થઈ છે. આ દરમિયાન, બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્ય, બહુપક્ષીય અને પ્રાદેશિક બાબતો અને વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષો પર તેમના મંતવ્યો શેર કર્યા.





