ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત આવશે તેવી સંભાવના છે. એક અઠવાડિયામાં વાઘેલાની દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત છે અને તે પછી તેની સત્તાવાર જાહેરાત કરાશે તેવું સૂત્રો જણાવે છે. ઘણા સમયથી વાઘેલાને પરત લાવવા માટે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પ્રયત્નશીલ હતા, પરંતુ હાઈ કમાન્ડ તરફથી કોઈ સંકેત મળતા ન હતા, પરંતુ હવે દિલ્હીથી જ કેટલાંક સંકેત સૂચવી રહ્યા છે કે, વાઘેલા દિવાળી પહેલાં કોંગ્રેસમાં પાછા જોડાઈ જશે.
વાઘેલાએ 2017માં કોંગ્રેસ સાથેથી છેડો ફાડ્યો હતો અને તે માટે તેમણે ગાંધી પરિવાર તરફથી મળતા ઠંડા પ્રતિસાદનું કારણ આગળ ધર્યું હતું. જોકે આ માટે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર સ્વ. અહેમદ પટેલ કારણભૂત હોવાનું મનાતું હતું. અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શંકરસિંહને પોતાની નારાજગી બાજુએ મૂકી કોંગ્રેસમાં જોડાવા માટે જણાવ્યું હતું. હાલમાં જ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આ દિવાળી સુધીમાં વાઘેલા અંગે કોઈ સારા સમાચાર આવશે તો અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, તેમના માટે કોંગ્રેસમાં જોડાવા માટેના માર્ગ મોકળા છે. હાઇ કમાન્ડના નેતાઓ પણ તેમના સંપર્કમાં છે.