પાકિસ્તાનના મુલતાન શહેરની પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાંના મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલની છત પર લગભગ 500 જેટલાં મૃતદેહો પડેલા મળી આવ્યા છે. તેમના આંતરિક અંગો પણ ગાયબ છે. ઘણા મૃતદેહોની છાતી ખુલ્લી છે, તેમનું હૃદય કાઢી નાખવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
હોસ્પિટલની છત પરથી મળેલા મૃતદેહો ઘણા જૂના છે અને સડી ગયા છે. મુખ્યમંત્રીના સલાહકાર ચૌધરી જમાન ગુર્જરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે તમામ મૃતદેહોના અગ્નિસંસ્કારનો આદેશ આપ્યો, તેમજ આરોગ્ય અધિકારીઓને તપાસ કરવા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. આ પછી દક્ષિણ પંજાબના આરોગ્ય વિભાગે સમગ્ર મામલાની તપાસ માટે 6 સભ્યોની એક ટીમની બનાવી છે. ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.
દરમિયાન નિશ્તાર મેડિકલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ડૉન અખબારને જણાવ્યું કે સ્ટુડન્ટ્સ મેડિકલ રિસર્ચ માટે આ મૃતદેહોનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મૃતદેહોનો ઉપયોગ પહેલાથી જ કરવામાં આવ્યો હતો અને મેડિકલ ઉપયોગ માટે હાડકાં અને ખોપરીઓ કાઢવા માટે તેમને છત પર મૂકવામાં આવ્યા હતા.
હેલ્થ સેક્ટરમાં પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ
પાકિસ્તાનના હેલ્થ સેક્ટરની સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. હાલમાં પાકિસ્તાન એક મહિના કરતાં વધુ સમયથી પૂર સામે ઝઝૂમી રહ્યો છે. આ કારણે WHOએ ચેતવણી આપી છે કે આવનારા સમયમાં પાકિસ્તાનમાં મચ્છરજન્ય ચેપી રોગો પણ વધશે. જેના કારણે પાકિસ્તાનના મેડિકલ સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ચેતવણી બાદ પાકિસ્તાન સરકારે તાજેતરમાં ભારત પાસેથી 60 લાખ મચ્છરદાની ખરીદવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનમાં જીવનરક્ષક દવા પણ ઉપલબ્ધ નથી. તે રેબીજ, કેન્સરની દવાઓ, મલ્ટી-વિટામિન્સ માટે પણ ભારત પર નિર્ભર છે.