ગુજરાત અને ગુજરાતીઓ પર હાલ માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે, કેદારનાથમાં ગુજરાતીઓ સાથે દુર્ઘટના, હાલમાં જ મોરબીમાં હોનારત અને હવે ઓમકારેશ્વરમાં પણ એક દુર્ઘટનામાં ગુજરાતીઓના નિધનના દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશની તીર્થનગરી ઓમકારેશ્વરમાં નર્મદા નદી પર બનાવેલા ડેમની પાસે સુરતથી ગયેલા તીર્થયાત્રીઓની એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં માતા પુત્રના કરૂણ મૃત્યુ થયા છે, સમગ્ર મામલે બોટના માલિકની બેદરકારી પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
ઓમકારેશ્વરમાં પ્રતિબંધિત સ્થાનો પર બોટ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં પૈસાની લાલચમાં આવીને તીર્થયાત્રીઑના જીવ સાથે આ રીતે રમત કરવામાં આવે છે. ગુરુવારે સુરતના દર્શનાબેન તથા તેમનો પુત્ર નક્ષ આ બેદરકારીના કારણે ભોગ બન્યા છે. પ્રતિબંધ હોવા છતાં પરિવાર બોટ પર સવાર થયો અને તે બાદ બોટચાલક બોટને ડેમની પાસે લઈ ગયો, ત્યાં ટર્બાઇન ખૂબ તેજીથી ફરી રહ્યું હતું અને તેના કારણે બોટનો બેલેન્સ રહ્યો નહીં અને ત્યાં જ પલટી ગઈ, ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઑ ત્યાં પહોંચ્યા હતા.