ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો ઉલટફેર થયો છે. ગ્રુપ બીની મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. દક્ષિણ આફ્રિકાની હારને કારણે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ અકબંધ છે.
પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. આ તરફ દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. 21ના સ્કોર પર આફ્રિકાએ ડી કોકની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન બાવુમા પણ 39ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ ઝડપી રન પણ બનાવી શકી ન હતી. 9.3 ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ 64ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી.માર્કરમે એક છેડેથી મોરચો સંભાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે પણ 90ના સ્કોર પર આઉટ થયો હતો. આ પછી મિલર પણ 112ના સ્કોર પર આઉટ થયો હતો. 17.3 ઓવરમાં 120 રન સુધી પહોંચતા દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ સંપૂર્ણપણે નેધરલેન્ડ્સના કબજામાં હતી. 20 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. આ રીતે નેધરલેન્ડ 13 રને મેચ જીતવામાં સફળ રહ્યું.
નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા ગ્રુપ બીમાંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટક્કર પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ સાથે થઈ શકે છે.
મહત્વનું છે કે, નેધરલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ હતી. પરંતુ આ હારને કારણે દક્ષિણ આફ્રિકા પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં જે પણ વિજેતા બનશે તે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.






