ભાવનગરના રાજકીય ઇતિહાસમાં ચૂંટણીમાં દેશના વડાપ્રધાને પ્રચાર માટે ઉતરવું પડ્યું હોય અને એકથી વધુ વખત સભા ગજવવા આવવું પડે તે આ વખતે કદાચિત પ્રથમ ઘટના છે. અગાઉની ચૂંટણીમાં વડાપ્રધાન જાહેર સભા કરવા આવ્યા જ છે પરંતુ કોઇ સિંગલ બેઠક માટે નહીં. બે કે ત્રણ જિલ્લાના ત્રિભેટે વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભા ગજવેલી છે અને ભાજપને ધાર્યા પરિણામો પણ મળ્યા છે પરંતુ આ વખતે આમ આદમીએ ભાજપની ટોચની નેતાગીરીની ચિંતા વધારી છે તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે. નરેન્દ્રભાઇએ ટૂંકા ગાળામાં ભાવનગરની ચાર વખતની મુલાકાત કરવી તેમાં પણ ચૂંટણી જાહેર થયા બાદ ત્રણ વખત આવવું તે સામાન્ય બાબત નથી !
રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપને વખતો વખત પ્રચંડ જનસમર્થનથી સ્થાનિક નેતાગીરી સત્તાના મદમાં આવી ગઇ છે જે કારણે સત્તા વિરોધી જુવાળ જાવા મળી રહ્યો છે તેમજ ભાજપ-કોંગ્રેસ વચ્ચેની આજ સુધીની સીધી લડાઇમાં હવે આમ આદમી પાર્ટી ઉમેરાતા કેટલીક જગ્યાએ ત્રિપાંખીયો જંગ પણ જાવા મળી રહ્યો છે. બીજી બાજુ ચૂંટાયેલા ઘણાખરા સભ્યો ચૂંટણી જંગ જીત્યા બાદ પ્રજાના પ્રશ્નોનો નિવેડો લાવવામાં કે તે અંગે અવાજ ઉઠાવવામાં નિષ્ક્રીય રહ્યા છે. આથી જ ભાજપ પોતાનો જંગ નરેન્દ્ર મોદીના નામ ઉપર હર વખતે લડી રહ્યો છે ! વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સક્રિયતા અને તેના રાષ્ટ્રવાદ પ્રત્યે લગીરેય શંકાને સ્થાન નથી પરંતુ મોદીના નામે રાજકીય ક્ષેત્રે પથરા તરી રહ્યા છે. આથી જેટલી મોદીની સક્રિયતા છે તેટલી જ નિષ્ક્રીયતા ઘણાખરા ચૂંટાયેલા સભ્યોની રહી છે. આ કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટોચની નેતાગીરીએ ઉતરવું પડ્યું છે. એટલું જ નહીં એક-એક વિધાનસભા બેઠક માટે સભા કરવી પડી રહી છે. સત્તા સામેનો જુવાળ અને મતદારોની નિરસતા તેમજ આમ આદમીનું અકળ વલણ ટોચની નેતાગીરી માટે ચિંતાનું કારણ બન્યું છે. ત્યારે ભાજપમાં ટોપ ટુ બોટમ એટલે કે નાના કાર્યકરથી લઇને શિર્ષ નેતૃત્વ સુધી સૌ મતદારોને રીઝવવા મેદાને આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં અગાઉ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સ્વયં વડાપ્રધાન મોદી ચૂંટણી સભા કરી ચુક્યા છે. જ્યારે હવેના દિવસોમાં અનુક્રમે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, હિન્દુત્વના હિરો ગણાતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વધુ એક વખત ચૂંટણીની જાહેર સભા ગજવવા આવી રહ્યા છે.