ભાવનગરમાં બહુ ગાજેલા અને વિવાદિત બનેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષના દબાણ મામલે મ્યુ. તંત્ર આજે કાર્યવાહી કરવા પોલીસ બંદોબસ્ત સાથે પહોચ્યું હતું પરંતુ એ પૂર્વે દુકાનદારોએ સ્વયંભૂ દબાણો હટાવી લેતા અને અગાસીમાંથી સામાન લઈ લેવા બંને પક્ષો સહમત થઈ જતાં તંત્ર વહકોએ ડેલે હાથ દઈ પરત ફરવા જેવું થયું હતું. જાકે, કાયમી ધોરણે દબાણ નહિ કરી વ્યવસ્થા જાળવી રાખવા તેમજ બંને પક્ષે સુલેહ શાંતિ જાળવવા તંત્ર વધુ એક વખત મધ્યસ્થી બન્યું હતું.!
શહેરમાં જિલ્લા પંચાયત સામે આવેલ ટી.સી.ટાવર કોમ્પલેક્ષમાં નીચેના ભાગે હારબંધ દુકાનો આવેલી છે જેના વેપારીઓ દ્વારા પડદા પાટીયા અને લટકણીયા વિગેરે બે ત્રણ ફૂટ સુધી બહાર કાઢી મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બને છે. તે સામે મહાપાલિકા તંત્રના આંખ આડા કાન રહ્યા જે અનેક સવાલ સર્જે છે. જાકે, કોમ્પલેક્ષના ઉપરના માળે ઓફિસ ધરાવતા જાગૃત નાગરિક પ્રદીપ શુક્લ ઉર્ફે પ્રોવેલે તંત્રને વારંવાર રજૂઆત કરતા મ્યુ. તંત્ર કાર્યવાહી માટે મજબૂર બનતા અને ચારેક દિવસ પૂર્વે પગલા ભરવા તંત્રની ટીમ પહોંચતા દુકાનદારોએ રજૂઆત કરનાર પ્રોવેલ પર હલ્લાબોલ કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આમ, આ પ્રકરણમાં નવો વળાંક આવેલ અને મામલો હાલ પોલીસમાં છે.