ભારતમાં પ્રથમ વખત વિદેશી યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસની રચના કરી શકશે. યુજીસીએ આ સંદર્ભમાં એક ડ્રાફ્ટ જારી કર્યો હતો. આ ડ્રાફ્ટમાં વિદેશી યુનિવર્સિટીઓ માટે એડમિશન પ્રક્રિયા, ફી સ્ટ્રકચર અને સ્વદેશમાં નાણા મોકલવા સહિતના નિયમો સામેલ છે.
આ ડ્રાફ્ટ અનુસાર વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં સ્થાપિત કેમ્પસ દ્વારા ફક્ત ફુલ ટાઇમ અભ્યાસક્રમો ઓફ લાઇન મોડમાં જ શરૃ કરી શકશે. તેઓ ઓનલાઇન મોડ કે ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં અભ્યાસક્રમો ચલાવી શકશે નહીં. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે વિદેશ યુનિવર્સિટીઓ અને હાયર એજયુકેશન ઇન્સ્ટીટ્યૂટ્સે ભારતમાં કેમ્પસ શરૃ કરતા પહેલા યુજીસીની મંજૂરી લેવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, શરૃઆતમાં દસ વર્ષની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ નવમાં વર્ષે શરતોને આધીન આગળના વર્ષોની મંજૂરી આપવામાં આવશે. યુજીસીએ ‘સેટિંગ અપ એન્ડ ઓપરેશન ઓફ કેમ્પસીસ ઓફ ફોરેન હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટયૂટશન્સ ઇન ઇન્ડિયા’ નામનો ડ્રાફ્ટ જારી કર્યો હતો.
આ ડ્રાફ્ટ મુજબ યુનિવર્સિટીઓને એડમિશનના ધોરણો અને ફ્રી સ્ટ્રક્ચર પોતાની રીતે નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે જો કે યુજીસીએ ફી વ્યાજબી અને પારદર્શક રાખવાની સલાહ આપી છે.