જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સવારે એક દર્દનાક ઘટના બની છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના ત્રણ જવાનોનું વાહન લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. ત્રણેય જવાન ખાડામાં પડી ગયા અને શહીદ થયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણેય જવાનો ડોગરા રેજિમેન્ટની 14મી બટાલિયનના હતા. તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે, આગળના વિસ્તારમાં નિયમિત ઓપરેશનલ કાર્ય દરમિયાન 01 JCO અને 02 OR ની એક પાર્ટી ઊંડી ખીણમાં લપસી ગઈ હતી. ટ્રેક પર પડેલા બરફ પર લપસીને વાહન ખાડામાં ખાબક્યું હતું. ત્રણેય બહાદુરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. વિગતો મુજબ સેનાના જવાનો રૂટીન પેટ્રોલિંગ પર હતા. એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને અન્ય બે રેન્ક (OR) અધિકારીઓ આર્મી વાહન પર બેઠા હતા. વાહન બરફથી ઢંકાયેલા રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ગાડી સ્લીપ થઈ અને સીધી ઉંડી ખાડીમાં પડી. ખાડો એટલો ઊંડો હતો કે, કારમાં બેઠેલા ત્રણેય જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, જવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.