શુક્રવારની સવાર સાંઈ ભક્તો માટે ખૂબ જ ભયાનક હતી. પચાસ મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસનો નાસિક-શિરડી હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મહારાષ્ટ્રમાં નાસિક-શિરડી હાઈવે પર શુક્રવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 10 મુસાફરોના કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગર, અંબરનાથ અને થાણેના ઘણા શ્રદ્ધાળુઓ શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ તમામ લોકો લક્ઝરી બસમાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ બસમાં 50 મુસાફરો સવાર હતા.
આ દરમિયાન સિન્નર-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે બસમાં સવાર ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષો છે. ઈજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
CM એકનાથ શિંદેએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર સર્જાયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ આ ભયાનક માર્ગ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.