દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાશે. જખૌના 200 કરોડ ડ્રગ્સ કેસમાં આજે બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરાશે.
જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે ત્યારે તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.
લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસને જાણવા મળ્યું
ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના સપ્લાયમાં મહત્ત્વનો ભાગ ભજવતા તેમજ આતંક ફેલાવતા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ મગાવવાનો તેના પર આરોપ છે. જેના પગલે ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલાની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. એટીએસએ કરેલી અરજીને એનઆઇએની કોર્ટમાં મંજૂર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. લોરેન્સની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે. જેના પર એટીએસ તપાસ કરી રહી છે. લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેને પગલે તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.




