ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. આ અઠવાડિયામાં જ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. ધોરણ 10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે ધોરણ 5.65 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.



