ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની હતી, પરંતુ સતત વરસાદના કારણે આ મેચ આજે નહી રમાય તેવું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે, આ ફાઈનલ મેચ હવે 29 મે રમાશે.
ફાઇનલ મેચનો મહામૂકાબલો શરૂ થયાની તૈયારી જ હતી કે ત્યાં અમદાવાદમા વરસાદ વેરી બન્યો હતો. કડાકા અને ભડાકા સાથે વરસાદે સતત બેટિંગ કર્યું હતું. IPL રસિયા મેચ જોવા માટે માંડ માંડ નમો સ્ટેડિયમમાં પહોંચ્યાં કે, ત્યાં તો મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી દીધી હતી જેના કારણે આજની મેચ કેન્સલ કરવી પડી હતી
અમદાવાદમાં એક કલાકમાં અંદાજીત દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. કરા સાથે વરસાદી આફત એવી વરસી કે, જાણે ચોમાસું જામ્યું હોય. અમદાવાદના રસ્તાઓ પર ગોઠણસમા પાણી વહેતા થયાં હતાં. જોકે તોફાની પવન સાથે ખાબકેલા વરસાદે અમદાવાદીઓને ગરમીમાંથી આંશિક રાહત તો આપી છે. પરંતુ બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓની આશા પર પાણી ફેરવી દીધું છે. કારણ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર આઈપીએલની ફાઈનલ મેચ કેન્સલ થઈ છે. જેને લઈને ચાહકોમાં નિરાશાનો માહોલ છવાયો છે.
….. તો ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જશે
રિઝર્વ-ડેમાં આ અંતિમ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસનો સમય સાંજે 7 વાગ્યે રહેશે. જો રિઝર્વ-ડેમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે, તો ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જશે કારણ કે તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે જ સમયે, CSKએ ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ મેચમાં તમામની નજર એમએસ ધોનીના સુકાની CSK પર રહેશે. ટૂંક સમયમાં 42 વર્ષનો થવા જઈ રહેલો ધોની કદાચ છેલ્લી વખત પીળી જર્સીમાં જોવા મળશે. ધોનીએ ક્વોલિફાયર-1 પછી કહ્યું હતું કે તે આગામી IPL સીઝન વિશે અત્યારે કંઈ કહી શકે નહીં કારણ કે તેના વિશે વિચારવા માટે 8-9 મહિના બાકી છે
પ્રથમ વખત રિઝર્વ-ડે પર થશે ફેસલો
IPLના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ-ડેમાં ગઈ હોય. IPLની છેલ્લી 15 સિઝનમાં રમાયેલી ફાઈનલ મેચો નિર્ધારિત દિવસે જ પૂર્ણ થઈ હતી IPLની છેલ્લી 15 સિઝનમાં રમાયેલી ફાઈનલ મેચો નિર્ધારિત દિવસે જ પૂર્ણ થઈ હતી અને તે તમામ મેચોમાં વરસાદ કે અન્ય કારણોસર કોઈ અડચણ આવી ન હતી.




