હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તા. 28 અને 29 એમ બે દિવસ કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે સાંજે 6 :30 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 કલાકમાં 49 તાલુકા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.જેમાં દાંતામાં 2.25 ઈંચ, વડગામમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. તે જ રીતે બાવળામાં 1.75 ઈંચ અને ચાણસ્મામાં 1.25 ઈંચ, નડીઆદમાં 1.25 ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. તથા વડાલી અને પેટલાદમાં એક ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. તો પાલનપુર, દાંતીવાડા અને માતરમાં એક-એક ઈંચ વરસાદ અને આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠાના વિસ્તારોમાં હજુ પણ (11:30 સુધી) ધીમીધારે વરસાદ ચાલું હોવાનું જાણવા મળી રહ્યું છે.




