ચંદ્રની ધરતી પર ચંદ્રયાન 3 લેન્ડ થયા બાદ ભારતવાસીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે બીજી તરફ આજે ટીમ ઈન્ડિયાની આયર્લેન્ડ સામે T20I શ્રેણીની અંતિમ મેચ હતી, જે વરસાદના કારણે રદ થયા બાદ ભારતે આ શ્રેણી 2-0 થી પોતાના નામે કરી લીધી છે.
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રીજી એટલે કે શ્રેણીની અંતિમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ મેચ ડબલિનના ધ વિલેજમાં રમવાની હતી, પરંતુ તે પહેલા વરસાદ શરૂ થઇ ગયો, જેના કારણે ટોસ થઈ શક્યો નહીં. નિયમ મુજબ, નિર્ધારિત સમય સુધી વરસાદ રોકાયો ન હતો, તેથી મેચ રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમે પહેલા જ સતત 2 મેચ જીતીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચ 33 રને જીતી હતી.
જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત સીરિઝ રમી રહી હતી. ટીમ ઈન્ડિયાએ શરૂઆતની બંને મેચ જીતીને ટ્રોફી જીતી હતી. ત્રીજી T20 મેચમાં સતત વરસાદ પડ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોઈ અને બાદમાં તપાસનો રાઉન્ડ શરૂ થયો. ટોસ પણ ન થઈ શક્યું અને મેચ પડતી મૂકવી પડી. જણાવી દઇએ કે, રમતની શરૂઆત પહેલા, જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની યુવા ટીમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની ઉજવણી કરતી જોવા મળી હતી. ભારત પહેલો દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું મિશન લેન્ડ કર્યું છે.





