કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવે છે કે આ સત્રમાં પાંચ બેઠક મળશે. સૂત્રો અનુસાર, સંસદના વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે.
દેશમાં ‘વન નેશન-વન ઇલેક્શન’ને લઇને ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને તેને લઇને રાજકીય પક્ષોને છ સવાલના જવાબ માંગ્યા હતા. સરકાર તેને લાગુ કરાવવા માંગે છે તો કેટલાક પક્ષ તેના વિરોધમાં છે. 22માં લૉ કમિશને સાર્વજનિક નોટિસ જાહેર કરીને રાજકીય પક્ષ, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ સંગઠનો પાસે અભિપ્રાય માંગ્યો હતો. કમિશને પૂછ્યું હતું કે હંગ એસેમ્બલી અથવા લોકસભા ચૂંટણીમાં ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઇ પણ રાજકીય પક્ષ પાસે સરકાર બનાવવા માટે બહુમત ના હોય, ચૂંટાયેલી સંસદ અથવા વિધાનસભાના સ્પીકર તરફથી વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિયુક્તિ કરી શકાય છે?
બંધારણની કલમ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઇ છે, જેની હેઠળ સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય મામલાની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવે છે, જેના દ્વારા સાંસદોને એક સત્રમાં બોલાવવામાં આવે છે.





