પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ સોમવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરા ધ્રૂજી છે. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મેઘાલયમાં સાંજે 6.15 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.
ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ અનુભવાયો છે. સોમવારે ગાંધી જયંતિની રજા હોવાથી લોકો સાંજના સમયે ઘરે હતા. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સલામત સ્થળે દોડી આવ્યા હતા. જો કે, પ્રારંભિક માહિતી અનુસાર, કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. બીજી તરફ દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી ઉત્તર બંગાળના ભાગમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે.





