ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે વિદેશથી પણ અનેક લોકો આવ્યા છે. સ્કાય ડ્રાઇવના CEO તોમોહિરો ફુકુઝાવા ભારતમાં ફ્લાઇંગ કાર શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
વાતચીત દરમિયાન સ્કાઇ ડ્રાઇવના CEO તોમોહિરો ફુકુઝાવાએ કહ્યું કે, “અમે ભારતમાં ફ્લાઇંગ કાર- eVTOL સેવા રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ..તે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર આધારિત છે.તેમાં બેઠકની ક્ષમતા ત્રણ સીટ છે.શહેરી વિસ્તારમાં એરપોર્ટ બનાવવું મુશ્કેલ છે પરંતુ તે બિલ્ડિંગની છત પરથી ઉડાન ભરી શકે છે અને ઉતરી શકે છે. રોજિંદા જીવનમાં એર ટેક્સીનો ઉપયોગ કરી શકીએ છીએ. જાપાનમાં અમારી પાસે સુઝુકીનો પ્લાન્ટ છે અને બજાર વધુ ખુલ્લું થયા પછી અમે અન્ય પ્લાન્ટ પણ રાખવા માંગીએ છીએ.”
ફ્લાઇંગ કાર શું છે?
ફ્લાઇંગ કારને ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લાઈંગ કાર એ એક પ્રકારનું એરક્રાફ્ટ છે જે બહુવિધ રોટર્સનો ઉપયોગ કરીને ઊંચી ઊંચાઈએ ટેક ઓફ અને લેન્ડ કરવાની ક્ષમતા ધરાવે છે. વાહનો સામાન્ય રીતે ઓછી સંખ્યામાં લોકોને લઈ જવા માટે હોય છે, કેટલાક મોડલ જમીન પર ઉપયોગ માટે પણ બનાવવામાં આવે છે.હળવા વજનના eVTOL એરક્રાફ્ટ શહેરમાં લગભગ ગમે ત્યાં સ્થિત એરપોર્ટ પર ઉતરી શકે છે. મુસાફરની વિનંતી પર ખુદ ઉડનારી કાર મુસાફરની સાથે ઉડાન ભરશે અને તેને આરામથી સીધા તેના ગંતવ્ય સ્થળ સુધી લઇ જશે, જેનાથી ટ્રાફિક જામ, રસ્તાના કામને કારણે વિલંમ, ટ્રેન અથવા બસમાં મુસાફરીથી છૂટકારો મળશે.