અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું છે. એક પોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે આ પગલાથી ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અમેરિકામાં રહી શકશે.
ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે વચન આપ્યું હતું કે જ્યારે તેમની સરકાર બનશે ત્યારે તેઓ ટેક કંપનીઓને ભારત જેવા દેશોમાંથી પ્રતિભાશાળી લોકોને નોકરી પર રાખવામાં મદદ કરશે. એના પર ટ્રમ્પે કહ્યું- હું આ કરવા માગું છું અને કરીશ પણ. મને લાગે છે કે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને તરત જ ગ્રીન કાર્ડ આપવામાં આવે. એનાથી તેઓ અમેરિકામાં રહી શકશે અને અહીંના વિકાસમાં મદદ કરી શકશે.
ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને અહીં રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમની યોજનાઓથી દેશને ફાયદો થશે. તેઓ એવા ઘણા લોકોને ઓળખે છે, જેઓ અમેરિકાથી ગ્રેજ્યુએટ થયા છે, પરંતુ તેમની પાસે ગ્રીન કાર્ડ ન હોવાથી તેઓ અહીં રહી શક્યા નથી. પછી તેઓ પોતાના દેશમાં ગયા અને ત્યાં અબજોપતિ બની ગયા.
2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે
2023ના ડેટા અનુસાર, 2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. જો ટ્રમ્પ પોતાની વાત પર વળગી રહે તો આમાંથી ઘણા વિદ્યાર્થીઓ સરળતાથી અમેરિકન ગ્રીન કાર્ડ મેળવી શકશે. ઇમિગ્રેશન મુદ્દે ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનને બાઈડનની નવી નાગરિકતા નીતિનો તોડ માનવામાં આવી રહ્યો છે. 17 જૂને, બાઈડન સરકારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સંબંધિત નવી નીતિની જાહેરાત કરી હતી.