રાજ્યભરમાં ત્રિદિવસીય ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-૨૦૨૨ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં મોરચંદ કુમાર શાળા અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં કલેક્ટર યોગેશ નિરગુડેના હસ્તે ધો. ૧ ના વિદ્યાર્થીઓનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. યોગેશ નિરગુડેએ શૈક્ષણિક કીટ આપીને બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડીનાં બાળકોને પોષક કીટ આપવામાં આવી હતી. મોરચંદ કુમાર શાળાનાં શાળાનાં ૭ બાળકો અને ભવાની પરા શાળાના ૪ બાળકોનો કુમકુમ તિલક કરીને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.કલેક્ટર યોગેશ નિરગુડેએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શિક્ષણથી વ્યક્તિ પોતે પોતાનું, ગામનું અને શહેરનું નામ રોશન કરી શકે છે. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં મળતાં શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે. જે તેમનું ભવિષ્ય નક્કી કરે છે. કલેક્ટરે  પોતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે, તેઓ પણ સરકારી શાળામાંથી જ શિક્ષણ મેળવી યુ. પી. એસ. સી. પાસ થઇને સિવીલ સેવામાં જોડાયાં છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો ગામડામાં રહીને પણ ઊંચા સ્તરનું શિક્ષણ મેળવી શકે એ માટે રાજ્ય સરકાર સતત કાર્યશીલ છે. શિક્ષણનો ઉપયોગથી માત્ર સરકારી નોકરી મળે એવું નથી, પણ ભણવામાં આવતાં વિજ્ઞાન વિષયની સમજથી ખેતી ક્ષેત્રે પણ કંઈક નવું કરી શકાય છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઘોઘા મામલતદારશ્રી એ. આર. ગઢવી, ઘોઘા ટી. ડી. ઓ.શ્રી એ. આર. પટેલ, મોરચંદ ગામનાં સરપંચશ્રી લગ્ધીરસિંહ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી વ્યાસ, મોરચંદ શાળાનાં આચાર્યશ્રી સાનુભા ગોહિલ, ભવાનીપરા સરપંચશ્રી જસવંતસિંહ ગોહિલ, ભવાનીપરા શાળાનાં આચાર્યશ્રી પ્રતાપસિંહ સરવૈયા તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
			

                                
                                


