મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો આજે ત્રીજો દિવસ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારનું પડી ભાંગવું લગભગ નક્કી છે. ગુવાહાટીમાં એકનાથ શિંદેએ 49 ધારાસભ્ય સાથે શક્તિપ્રદર્શન કર્યું છે, જેમાં 42 શિવસેનાના છે અને અપક્ષના 7 ધારાસભ્ય છે. ઉદ્ધવની સરકાર પાડવા માટે શિદેને માત્ર 37 ધારાસભ્યની જરૂર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર બનાવવા માટે આગળની પ્રક્રિયાને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં બેઠકો શરૂ થઈ ગઈ છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્રમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્યમંત્રી રેન્કની ઓફર કરી છે, સાથે કેન્દ્રમાં પણ 2 મંત્રીપદ આપવાની ઓફર કરી છે.
આ તરફ શિવસેનાના 19માંથી 9 સાંસદે પણ શિંદેને સમર્થન આપ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ સંખ્યા વધી શકે છે.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. આ પત્રને તેમણે ટ્વીટ કર્યો છે, જેમાં તેમણે ધારાસભ્યોની લાગણી વ્યક્ત કરી છે. પત્રમાં જણાવાયું છે કે કે શિવસેનાના ધારાસભ્યોની વાત ક્યારેય સાંભળવામાં આવી નથી અને ઉદ્ધવના ઘરનાં બારણાં હંમેશાં તેમના માટે બંધ રહેતાં હતાં. પત્રમાં વધુ એક વાત કરાઈ છે કે અમે જ્યારે અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે અમને રોકવામાં આવ્યા હતા. જે લોકો જતા રહ્યા હતા તેમને પણ ફોન કરી પરત બોલાવવાની વાત કરી હતી.
શરદ પવારે એનસીપીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચી ગયાં છે, આ તેમની ખાનગી મુલાકાત ગણવામાં આવે છે.
દરમ્યાન મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની એન્ટ્રી થઈ છે. બળવાખોર ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે એની બહાર TMCના કાર્યકરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું હતું કે ધારસભ્યોની ખરીદી અને વેચાણ થઈ રહ્યું છે, જે બંધ થવું જોઈએ. લોકશાહીને બચાવવાની તેમણે માગ કરી હતી. પોલીસે તેમની અટકાયત કરી છે.