સામાન્ય રીતે આપણે ગામડા ગામની કોઇ શાળામાં જઇએ તો સામાન્ય ઓરડાં, નળીયાવાળી છત, થોડાઘણાં વિદ્યાર્થીઓ અને વેરાન એવું મેદાન એવાં દ્રશ્યો સામાન્ય રીતે મનમાં અંકિત થાય. પરંતુ આજે આપણે એક એવી શાળાની વાત કરવી છે કે જે સ્માર્ટ સ્કૂલ તો છે જ પરંતુ ગ્રીન પણ છે. રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાં માટે દરેક તાલુકામાં ૨-૨ શાળાઓ સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. તેમાંની જ એક સ્માર્ટ શાળા ભાવનગરના ઘોઘા તાલુકામાં આવેલ વાવડી ગામની છે જે સ્માર્ટ તો છે ઉપરાંત ગ્રીન પણ છે.
સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે ત્યારે આગવી અને અનોખી શાળાની વાત કરવી છે કે, શાળાના પટાંગણમાં પ્રવેશ કર્યા બાદ તમને હાવર્ડ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આવ્યાં હોય તેવી ફિલીંગ આવ્યા વગર ન રહે તેવું લીલુંછમ્મ મેદાન, સમગ્ર પરિસરમાં એક તળખલું પણ કચરો જોવાં ન મળે તેવું સ્વચ્છ વાતાવરણ તમને આહલાદક અનુભૂતિ કરાવે તેવું છે. આ શાળામાં આવીને બાળકને જે શિક્ષણનો માહોલ મળે છે તે જોતાં જો તે ન ભણે તો તે વિદ્યાર્થીનો વાંક ગણાય એવી મુલાકાત લેવાં જેવી આ શાળા છે.માત્ર શાળા કહેવું તેના માટે નાનું પડે તે રીતે સમગ્ર કેમ્પસને શિક્ષા- દિક્ષાના વાતાવરણની સજ્જ કરવામાં આવેલું છે. શાળામાં કચરાં ટોપલીમાં જ બાળકો કચરો નાંખે તેવાં સંસ્કાર કેળવવામાં આવ્યાં છે. શાળાની દિવાલ પર વિવિધ રમતોના ચિત્રો દોરવામાં આવ્યાં છે. જેથી બાળકોમાં રમત-ગમત પ્રત્યે અનુરાગ જન્મે. શાળાની અંદરની દિવાલ પર વિવિધ યોગમુદ્રાની નિશાનીઓ દોરેલી છે જેથી વિદ્યાર્થીઓને ભારતીય યોગ વિશેની સમજ મળે.
શાળામાં અન્ય દિવાલોને અડીને નિસરણી બનાવવામાં આવી છે કે જેથી બાળકો રિસેષના સમયમાં શાળામાં જ રમત રમી શકે. શાળામાં એમ્ફીથીયેટર છે જેના પર એ.બી.સી.ડી. અને અન્ય મૂળાક્ષરો લખેલાં છે જેથી બાળકો રમતાં-રમતાં મુળાક્ષરોનું જ્ઞાન મેળવી શકે.શાળામાં પીવાના પાણીની પરબની એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે, તેમના દ્વારા ઢોળાયેલ પાણી સીધું બગીચામાં ફુલઝાડને જાય. આ માટે પાણીની પરબથી નીચેના ભાગમાં વનસ્પતિ બગીચો બનાવવામાં આવ્યો છે. જ્યાં વિવિધ ફુલઝાડ તેમના નામ અને વૈજ્ઞાનિક નામ, વિવિધ વનસ્પતિથી કયા ખનીજો શરીરને મળે છે. કયા ખનીજથી શરીરને શું લાભ થાય છે તેના વિગતવાર માહિતી ચિત્ર સાથે દર્શાવેલી છે. શાળાના ક્લાસરૂમના દરવાજા પર મોટું, પતલું, ડોરેમોન વગેરે જેવાં કાર્ટુન ચિત્રો દોરેલાં છે જેથી નાના બાળકોને મજા આવે. દરેક વર્ગની દિવાલ પર ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શહીદ ભગતસિંહ જેવાં ચિત્રો દોરેલાં છે જેથી બાળકોને આપણાં રાષ્ટ્રનાયકો વિશેની જાણકારી મળી રહે.
શાળામાં પ્રોજેક્ટર સાથેના રૂમ તો છે જ પરંતે બાળકોને વધુ સમજણ આપવાં પ્રોજેક્ટરની વિરૂધ્ધ દિશામાં કાળા પાટીયાની વ્યવસ્થા છે કે જેથી બાળકોને વધુ વિસ્તારથી લખીને સમજાવી શકાય. શાળાની સીડીમાં આપણે જાડા અને પાતળાં દેખાઇએ તેવાં અંતર્ગોળ અને બહિર્ગોળ કાચ લગાવેલાં છે જેથી આ વિજ્ઞાનના આ નિયમો બાળકો ગમ્મત કરતાં- કરતાં શીખી શકે. શાળાના આચાર્યની ઓફિસમાં પણ દરેક વિષય માટેના અને દરેક વર્ગ શિક્ષકો માટેના અલગ કબાટની વ્યવસ્થા છે જેથી જે વસ્તુની જરૂરિયાત હોય તે તુરંત શોધી શકાય. શાળાને મળેલાં એવોર્ડ પણ વિવિધ કબાટોમાં તેની માહિતી સાથે પ્રદર્શિત કરવામાં આવેલાં છે.વાવડી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ગોહિલ આ અંગે જણાવે છે કે, રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સમગ્ર ભાવનગર જિલ્લામાં ન હોય તેવી સ્માર્ટ સ્કૂલ વાવડી જેવાં નાના ગામમાં બનાવવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓ પણ ઉત્સાહી છે જેના કારણે આ શક્ય બન્યું છે. શાળાના શિક્ષકો પણ ઉત્સાહી છે જેના કારણે આ બધું શક્ય બન્યું છે.શાળાના આચાર્ય હિતેષભાઇ જાદવ આ અંગે જણાવે છે કે, મારી શાળા સ્માર્ટ સાથે ગ્રીન તો છે જ પરંતુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના ખ્યાલ સાથે શાળામાં ગ્રીન બગીચો, કીચન ગાર્ડન છે. આજનો સમય છે તે સ્પર્ધાત્મકતાનો છે તેને લઇને શાળાના બાળકો સાંપ્રત પ્રશ્નો વિશે સમજ કેળવે તે માટે વાંચનાલય, ડીજીટલ ક્લાસની સગવડ પણ આ શાળામાં ઉભી કરવામાં આવી છે.