ભાવનગર શહેર ભાજપ સંગઠનમાંથી થોડા મહિનાઓ પૂર્વે ઉપપ્રમુખ પદેથી હેમરાજ સોલંકી અને ધર્મેન્દ્ર મહેતાને દુર કરી દેવાયા હતાં તે પૈકી હેમરાજસિંહ સોલંકીએ ગઇકાલે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે ધર્મેન્દ્ર મહેતા પણ આપનો ખેસ પહેરી રહ્યા હોવાની રાજકીય વર્તુળોમાં જાેરશોરથી ચર્ચાઓ ઉઠી હતી. જાે કે, તેઓ હજુ સુધી આપમાં ભળ્યા નથી પરંતુ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરે તો નવાઇ નહીં કહેવાય. ચર્ચા મુજબ પદને લઇને હાલ તેમનું જાેડાણ અટક્યું છે તો બીજી તરફ ભાજપને કાંઇ નુકશાન ન હોવાની પણ રાજકીય પંડિતો ગણતરી કરી રહ્યા છે.
ભાજપ-કોંગ્રેસના અનેક અસંતુષ્ટો માટે આમ આદમી પાર્ટી એક ઠેકાણું બન્યો છે ત્યારે શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજસિંહ સોલંકીએ વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જાેડાણ કર્યું છે. ત્યારે તેમના જ સાથી અને ખાસ મિત્ર ધર્મેન્દ્ર મહેતાના નામની ચર્ચા પણ હતી પરંતુ આજ સુધી તેઓ ભાજપમાં જ છે. હેમરાજસિંહ સોલંકીએ એક વાતચિતમાં જણાવ્યું હતું કે, ભાજપના અનેક કાર્યકરો અને આગેવાનો પક્ષની નીતિ-રીતિથી નારાજ છે અને આપથી પ્રભાવિત છે જેઓ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જાેડાઇ શકે છે. તેમના માધ્યમથી પણ અનેક લોકો આપના સંપર્કમાં હોવાનો તેમણે દાવો કર્યો હતો. જ્યારે ધર્મેન્દ્ર મહેતાએ એક વાતચિતમાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં મને પદ મળે કે ન મળે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છું. પોતે આમ આદમી પાર્ટીમાં ભળી રહ્યા હોવાની વાત ખોટી અફવા ગણાવી હતી.