તળાજા તાલુકાના રાજપરા-૨ ગામમાં આવેલ દવાખાનામાં તબીબ અને તેના કર્મચારી હુમલો કરી બે શખ્સે રોકડ રકમની લૂંટ કરતા અલગ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ત્રાપજ ગામમાં રહેતા અને રાજપરા-૨ ગામમાં દવાખાનુ ચલાવતા તબીબ રણજીતભાઈ મગનભાઈ ચૌહાણે અલંગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પોતે તથા તેમના કર્મચારી ઉજાસભાઈ બુધાભાઈ ચૌહાણ તેમના દવાખાના ઉપર હાજર હતા તે દરમિયાન ઓદરકા ગામના બ્રિજરાજસિંહ સુખદેવસિંહ અને એક અજાણ્યો શખ્સ દવાખાને આવ્યા હતા અને ડોક્ટરને તું કેમ હપ્તાના પૈસા આપતો નથી ? તેમ કહી ગાળો આપી ટેબલ ઉપર પડેલ કાતર વડે હુમલો કર્યો હતો, તેમજ તેમના કર્મચારી ઉજાસભાઈને પણ માર મારી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ. ૩૩૦૦ કાઢી લઈ, ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે અલંગ પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૩૨૩, ૩૨૪, ૫૦૪ ,૫૦૬(૨), ૪૪૮,૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.