શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં એસ.ટી.ની બસો યાત્રિકોથી ભરચક જાેવા મળી હતી. જ્યારે બે દિવસ બાદ ભાદરવી અમાસનો મેળો કોળિયાકમાં પરંપરાગત રીતે ભરાશે. આ દિવસે પણ એસ.ટી.ને તડાકો રહેશે. યાત્રિકોની ભીડને પહોંચી વળવા એસ.ટી. તંત્ર દ્વારા આ વખતે પ્રતિવર્ષ કરતા દોઢી સંખ્યામાં એક્સ્ટ્રા બસો દોડાવવા આયોજન કરી દેવાયું છે. આ ઉપરાંત ઋષિ પાંચમના મેળામાં પણ વધારાની બસો દોડાવાશે.
કોળિયાકમાં ભરાતો ભાદરવી અમાસનો મેળો સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી ભાદરવી અમાસના મેળામાં સ્નાન માટે ભાવિકોનો પ્રવાહ વહે છે. પ્રતિવર્ષ એસ.ટી. દ્વારા સરેરાશ ૪૦ એક્સ્ટ્રા બસ દોડાવાય છે પરંતુ કોરોના કાળમાં બે વર્ષ સુધી ભાદરવીનો મેળો નહીં થતા આ વર્ષે ભાવિકોની ભીડ વધવા પૂર્ણ સંભાવના છે આથી ભાવનગર એસ.ટી. વિભાગે એસ.ટી. બસની સંખ્યા વધારીને ૫૫ કરી છે. નાની-મોટી બસ મળીને ૫૫ ગાડીઓ એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. ૨૬મીએ રાત્રે ૯ કલાકે ભાવનગર ડેપો ખાતે તમામ ૫૫ બસ ડ્રાઇવર-કંડક્ટર સાથે સ્ટેન્ડ ટુ રહેશે અને ટ્રાફિક મુજબ દોડાવાશે.
ભાવનગર ડેપો તેમજ ઘોઘા જકાતનાકા એમ બે પોઇન્ટથી એસ.ટી.ની વધારાની બસો ચાલશે. આ માટે ભાવનગર ડેપોની ૨૦, પાલિતાણાની ૧૦, મહુવાની ૮ તથા બોટાદ-ગઢડાની પાંચ-પાંચ બસની સેવા લેવાશે. તમામ સંચાલન ભાવનગર ડેપો ખાતેથી જ થશે તેમ ભાવનગર એસ.ટી.ના સિનીયર ડેપો મેનેજરે જણાવ્યું હતું. આ ઉપરાંત કોળિયાકના સમુદ્રમાં ઋષિ પાંચમના સ્નાનનું પણ અનેરૂ મહત્વ છે. ઋષિ પાંચમનો મેળો પણ વર્ષોથી ભરાય છે આથી આ દિવસે પણ ભાવનગર એસ.ટી. દ્વારા વધારાની ૫૫ બસ દોડાવાશે. આ બન્ને દિવસે ભાવનગર ડિવીઝનના કેટલાક લોકલ રૂટ પ્રભાવિત થઇ શકે છે.