અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડીલ અંગેની આગામી મંત્રણા પાકિસ્તાનની રાજધાની
ઇસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. સોમવારથી શરૂ થનારી આ વાતચીત સીઝફાયર પૂરો થાય તે
પહેલાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે.
રિપોર્ટ્સ મુજબ, બંને દેશો વચ્ચે પડદા પાછળની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ
સંકેત આપ્યા હતા કે વાતચીત જલ્દી શરૂ થશે. સીએનએનના અહેવાલ મુજબ, ઈરાની સૂત્રોએ પુષ્ટિ કરી
છે કે સોમવારે ઇસ્લામાબાદમાં આગામી રાઉન્ડની વાતચીત નક્કી છે. અગાઉના અઠવાડિયે થયેલી
મંત્રણામાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહોતું, તેથી આ વખતે બંને પક્ષો પર દબાણ વધુ છે.
આ મંત્રણામાં સૌથી મોટો મુદ્દો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ છે, જ્યાંથી દુનિયાનો 20 ટકા તેલ પુરવઠો પસાર થાય છે.
ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની દરિયાઈ નાકાબંધી નહીં હટાવે, તો આ માર્ગ ફરીથી બંધ
કરી શકાય છે. જો આવું થશે તો વિશ્વમાં તેલની કિંમતો ફરી આસમાને પહોંચી શકે છે.
ટ્રમ્પનો દાવો છે કે ઈરાન નમતું જોખવા તૈયાર છે અને તેઓ સમજૂતીની ખૂબ નજીક છે. જોકે, ઈરાનના
ટોચના અધિકારીઓ આ દાવાને નકારી રહ્યા છે. તેમના મતે હજુ પણ ઘણા ગંભીર મુદ્દાઓ પર મતભેદ
યથાવત છે. આ ઉપરાંત, લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનું સીઝફાયર પણ આ મંત્રણાને
અસર કરશે, કારણ કે ઈરાન હિઝબુલ્લાહનું સમર્થક છે.





