ભાવનગર મહાપાલિકાની બુધવારે સાંજે મળેલી સામાન્ય સભા અધિકારરાજ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સબબ અસામાન્ય બની રહી હતી. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પૈસા લીધા વગર કામ જ કરતા નથી તેવા વિપક્ષના સણસણતા આક્ષેપ અને કથીત ઓડીયો ક્લીપ રજૂ કરવાથી શાસક ભાજપની આબરૂના પણ લીરા ઉડયા હતાં. આ ઘટનાથી શાસક પક્ષ પણ ઉકળી ઉઠ્યો હતો અને સંબંધિત અધિકારીનું નામ જાહેર કરી તેને ખુલ્લા પાડવા આગ્રહ કર્યો હતો પરંતુ વિપક્ષએ આકરૂ વલણ દાખવી આ અંગે મેયર અને કમિશનરને પોતે આધાર-પુરાવા આપશે તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં ખુલ્લમખુલ્લા આક્ષેપથી શાસક પક્ષને પોતાની છબી ખરડાતી નજરે પડી છે આથી આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકએ સંયુક્ત પત્ર લખી ઉક્ત અધિકારી સામે કડક હાથે કામ લેવા મ્યુ. કમિશનરને જણાવી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં નવા કમિશનર હજુ બપોર પછી હાજર થવાના છે તે પૂર્વે જ ફળફળતો વિવાદ તેની રાહ જાેઇ રહ્યો છે. નવા કમિશનર હાજર થતા તુરંત જ તેમની સમક્ષ શાસક પક્ષના પાંચેય પદાધિકારીઓએ લખેલો આ પત્ર રજૂ થશે. સ્વાભાવિક જ નવા કમિશનર માટે આ મામલો પડકારજનક બની રહેશે !
શાસક પક્ષના પદાધિકારીઓએ કમિશનરને લખેલ પત્ર અક્ષરશ…
ગઇકાલે તા.૨૪-૮-૨૨ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની શ્રી સમગ્ર સભામાં વિપક્ષના નેતાશ્રી દ્વારા મહાનગરપાલિકામાં અધિકારી દ્વારા નાના લોકો પાસેથી પણ તેમના કામો કરાવવા માટે નાણાંની માંગણી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે બાબતનો ઓડીયો રેકોર્ડીંગ સભામાં સંભળાવેલ. સદરહુ ઓડીયો રેકોર્ડીંગના અનુસંધાને નિયમોનુસાર કાર્યવાહી કરી જે કોઇ કસુરવાર અધિકારી સામે તાત્કાલીક પગલા ભરવા અને તેમની સામે તાત્કાલીક કડક કાર્યવાહી થવા શાસક પક્ષના પદાધિકારીશ્રીઓ આપને જણાવીએ છીએ.