પાલીતાણાના દેદરડા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલ ટીમને ગાળો અને ધમકી આપી વીજ ચેકિંગ કરવા નહીં દઇ ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના જવેલ્સ સર્કલ નજીક રહેતા અને ભાવનગર સીટી વન પીજીવીસીએલની ડાયમંડ ચોક સબ ડિવિઝન ઓફિસમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ રાહાભાઈ બલદાણીયાએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અને તેમની ટીમ પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ માટે ગયા હતા ત્યારે દેદરડા ગામમાં આવેલ એક મકાનની બહાર મીટર લગાવેલ ન હોય ઘરમાં તપાસ કરતા ઘરની અંદર મિત્ર લાગાવેલું હોય જેનું ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરતા કૃષ્ણદેવસિંહ ઉર્ફે દિવ્યરાજસિંહ નીરુભા સરવૈયાએ વીજ ચેકીંગ ટીમને ગાળો આપી ચેકીંગ કરતા અટકાવ્યા હતા અને તેના હાથમાં રહેલી તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા પીજીવીસીએલની ટીમ ચેકિંગ કર્યા વગર ઘરની બહાર નીકળી ગઈ હતી. આ શખ્સ તલવાર સાથે ગામના ચોક સુધી પાછળ આવ્યો હતો અને ગામમાં ચેકિંગ કરશો તો તલવારના ઘા ઝીંકી મારી નાખવા પડશે તેવી ધમકી આપતી હતી પાલીતાણા રૂરલ પોલીસે દેદરડાના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.