ધાર્મિક અને રાજકીય મેળામાં ભાવનગર એસ.ટી. ડિવીઝનની ૫૫ બસ ફાળવાતા લોકલ અને એક્સપ્રેસ રૂટ પ્રભાવિત થશે આથી આવતીકાલ ૨૬મીથી ૧ સપ્ટેમ્બર સુધી એસ.ટી.ના અનેક રૂટ રદ્દ થવાની પૂર્ણ સંભાવના છે. આ સંજાેગોમાં એસ.ટી.માં મુસાફરી કરતા યાત્રીઓએ પ્રવાસનું આયોજન અગાઉથી જાણકારી મેળવીને જ કરવું હિતાવહ રહેશે.
આવતીકાલ સાંજથી કોળિયાક ભાદરવીના અમાસના મેળા માટે ભાવનગર ડિવીઝનની નાની-મોટી ૫૫ બસ ફાળવાશે. ભાવનગરથી કોળિયાક મેળામાં પ્રવાસીઓને લાવવા-લઇ જવા માટે એસ.ટી. તંત્રએ પરંપરાગત આ આયોજન ગોઠવ્યું છે. જ્યારે ૨૭મી ઓગસ્ટે ભાવનગર ડિવીઝનની ૫૫ બસ કચ્છ-ભુજ ખાતે રવાના કરાશે. અહીં ૨૮મી ઓગસ્ટે વડાપ્રધાન મોદી જાહેર સભા કરનાર છે આથી લોકોને લાવવા-લઇ જવા માટે ભાવનગરથી એસ.ટી.ની ખાલી બસો ભુજ રવાના કરાશે જે તમામ બસ ૨૮મી રાત્રીના ક્રમાનુસાર મુક્ત થશે એટલે કે ૨૯મીથી ભાવનગર ડિવીઝનમાં સેવામાં લેવામાં આવશે. જાે કે, ત્યાં ૧લી સપ્ટેમ્બરે ઋષિ પાંચમનો મેળો હોવાથી વળી પાછી ૫૫ બસ ભાવનગરથી કોળિયાક વચ્ચે વધારાની દોડાવાશે. આમ આખુ સપ્તાહ ધાર્મિક અને રાજકીય મેળાને કારણે એસ.ટી.ની ૫૫ બસ રોકાશે. આ સંજાેગોમાં એસ.ટી.ના લોકલ રૂટ પર દોડતી અનેક બસોની સેવા ખુચવાશે તે નિશ્ચિત હોવાનું એસ.ટી.ના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.