ગુજરાતના પ્રથમ સોલંકી શાસક મૂળરાજ સોલંકીએ નવમી સદીની આસપાસ ઉત્તર હિંદુસ્તાનમાંથી ૧૦૦૯ બ્રાહ્મણને બોલાવ્યા, આમાંથી ૫૦૦ બ્રાહ્મણોને શ્રી સ્થળ (સિદ્ધપુર) અને તેની આસપાસના ગામ દાનમાં આપ્યા, તે સિદ્ધપુર સમવાયનાં બ્રાહ્મણો ગણાયા. બીજા ૫૦૦ બ્રાહ્મણોને સિંહપુર (સિહોર) અને તેની આસપાસના ગામોની જમીન દાનમાં આપી. એ સૌ ઉત્તર દિશામાંથી આવ્યા એટલે ‘ઔદિચ્ય બ્રાહ્મણ’ કહેવાયા. બીજા ૯ બ્રાહ્મણોને સ્તંભતિર્થ (ખંભાત) આદિના તેર ગામ દાનમાં આપ્યા. આ રીતે અગ્રહાર ગામનો વહિવટ બ્રાહ્મણો પોતે કરતા.
આ રીતે જાેઇએ તો નવમી સદીની આસપાસથી જ સિંહપુર (સિહોર) અણહિલવાડ (પાટણ) સાથે જાેડાયેલું જાેવા મળે છે. અગિયારમી સદીનાં અણહિલવાડના સોલંકી વંશનાં શાસક જયસિંહ સોલંકી (સિદ્ધરાજ જયસિંહ) એ બારમી સદી આસપાસ સિંહપુરમાં (સિહોર) ‘બ્રહ્મકુંડ ‘નું સમારકામ કરાવ્યા હોવાનું મનાઇ છે. રાણકદેવીના શ્રાપથી ચર્મ રોગથી પિડિત સિદ્ધરાજ જયસિંહે આ પવિત્ર કુંડમાં સ્નાન કર્યું , ને તે ચર્મ રોગની પીડાથી મુક્ત થયો. તેથી ખુશ થઇને સિદ્ધરાજ જયસિંહે બ્રાહ્મણોને બોલાવી મોટો યજ્ઞ કર્યો અને આ સ્થળે કુંડનું સમારકામ કરાવ્યું. સૌલંકીયુગમાં જાેવા મળે છે એ રીતનું સ્થાપત્ય અહીં પણ જાેવા મળે છે.
મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણિ નામનાં ગ્રંથમાં પણ બ્રહ્મકુંડનો ઉલ્લેખ જાેવા મળે છે. ૧૨મી સદીથી આ કુંડ અંગેના સંદર્ભ અને ઉલ્લેખ સિદ્ધરાજ સાથે મળી આવે છે. ૧૬મી સદીમાં અકબરના દરબારમાં નવરત્નોમાના એક અબુલ ફઝલે ‘આઇન-એ-અકબરી’ નામના ગ્રંથમાં પણ બ્રહ્મકુંડનો ઉલ્લેખ જાેવા મળે છે.
જૂના સિહોરની દક્ષિણ દિશાનાં કોટ નજીક પ્રાચિન ‘બ્રહ્મકુંડ’ આવેલો છે. આ કુંડ સમચોરસ બંધાયેલો છે. કુંડની મધ્યમાં છેક તળિયે કુવો છે. કુવાના પાણી સુધી પહોંચવા માટે ચારેય બાજુથી સમચોરસ ઘાટે બાંધવામાં આવેલ પગથિયા અને પરથારની રચના જાેવા મળે છે. જે કુંડને વિશિષ્ટ ઘાટ અને આકાર બક્ષે છે. વિસ્તૃત પરથાર પર નાના શિખરાવતિ મંદિરોની રચના અને પગથિયા તથા પરથારની દિવાલ પર દેવ – દેવીઓના શિલ્પો કોતરેલા છે. બ્રહ્મકુંડમાં કુલ ચાર પરથાર અને ૧૨૮ જેટલી મૂર્તિઓ છે. પ્રથમ પરથારની નીચે ૨૪ મંદિર અને ૨૦ ગોખ મંદિર છે. બીજા પરથારની નીચે ૨૦ મંદિર અને ૧૬ ગોખ મંદિર છે. ત્રીજા પરથારની નીચે ૧૬ મંદિર અને ૧૨ ગોખ મંદિર છે. ચોથા પરથારની નીચે ૧૨ મંદિર અને ૮ ગોખ મંદિર છે. આ દરેક મંદિરો પરથારની દિવાલને કોતરીને બનાવેલ છે. આ કુંડનો પરથાર સફેદ રેતિયા પથ્થરમાંથી બનેલો હોય આજે તેની દિવાલો, મંદિરો અને મૂર્તિઓ ખંડિત થયેલી જાેવા મળે છે. દરેક દેવી દેવતાઓની મૂર્તિઓ અહીં જાેવા મળે છે. ૩૬મીટર ×૩૬ મીટર થી માંડીને ૭.૫મીટર × ૭.૫ મીટર સુધી ઊતરતી શ્રેણીની એની પગથાર બે ફાંટાવાળી સીડીની ક્રમિકતાનું સાતત્ય દર્શાવે છે.
આ કુંડના પ્રથમ પરથારના ઉપરના ભાગે કોટની રચના કરવામાં આવેલ. જે કુંડને સુંદરતા બક્ષે છે. કુંડની પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર દિશાએ અંદર ખુલ્લા ઓરડા આવેલા છે તથા અહીં સ્નાન વિધિ બાદ પિતૃતર્પણ તથા યજ્ઞ કરવા માટેના ઓરડા છે. પરથાર પર સમુદ્રીમાતાનું, કામનાથ મહાદેવ(નવનાથ પૈકીના એક) અને હનુમાનજીનું મંદિર આવેલું છે.
ભારતીય પુરાતત્વ વિભાગે આ સ્થળને વિશ્વ સ્મારક તરીકે જાહેર કરેલ છે. દર વર્ષે શ્રાવણ માસની અમાસે અહીં મેળો ભરાય છે. આ કુંડમાં ‘સરસ્વતિચંદ્ર’ હિંદી ફિલ્મનું શુટીંગ પણ થયું હતું.
વર્ષો બાદ આ ઐતિહાસિક ધરોહર સમાં બ્રહ્મકુંડમાં પાણી ભરેલું છે ભાદરવી અમાસે અહીં સ્નાન કરવાનો અનેરો મહિમા છે હાલ ન્હાવાની મનાઈ છે.દર મહિનાની અમાસના દીને અહીં દરેક પુરાતની મૂર્તિઓને દીપમાળ કરવામાં આવે છે.