ભાવનગર પાસેના પ્રસિદ્ધ કોળીયાકના સમુદ્ર તટે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ગઇકાલ સાંજથી ભાતિગળ લોકમેળો ભરાયો હતો જે આજે પવિત્ર સમુદ્ર સ્નાન સાથે પૂર્ણ થયો છે. લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જ્યારે આજે સમુદ્ર સ્નાનમાં સંખ્યા બેવડી થઇ ગઇ હતી. કોળીયાકના સમુદ્ર તટે જ્યાં જુવો ત્યાં માનવ મેદની જ નજરે પડતી હતી. પરંપરા મુજબ સવારે સૌપ્રથમ ભાવનગરના ગોહિલવંશી રાજવી પરિવારની ધજા કોળીયાક મહાદેવના શિખર પર ફરકાવાઇ હતી ત્યારબાદ સમુદ્ર સ્નાન ખુલ્લુ મુકાયું હતું. તે સાથે જ નિષ્કલંક મહાદેવના જયઘોષ સાથે જ ભાવિકોએ સમુદ્ર સ્નાન માટે દોડ લગાવી હતી અને રત્નાકરમાં ડુબકી લગાવી સૌ નિષ્કલંક થયાની અનુભૂતિ કરી હતી.
પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસને ગોહિલવાડમાં ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. કોળીયાકના નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો ભરાતો મેળો સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. કદાચિત એકમાત્ર કોળીયાક નિષ્કલંકના સાનિધ્યમાં જ આટલી મોટી માત્રામાં ભાવિકો ઉમટી પડી સમુદ્ર સ્નાનનો લ્હાવો લે છે.
મહાભારત કાળમાં યુદ્ધ પછી પાંચેય પાંડવો ફરતા ફરતા કોળીયાકના સમુદ્ર તટે આવેલા અને અહીં નિષ્કલંકના સાનિધ્યમાં સ્નાન બાદ તેમની ધજા શ્વેત થઇ હતી આથી મહાદેવ નિષ્કલંક તરીકે ઓળખાય છે અને ભાદરવી અમાસના દિવસે અહીં સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક થવાની પ્રથા મહાભારતકાળ સાથે જાેડાયેલ હોવાનું માનવામાં આવે છે. આમ, કોળીયાકમાં ભાદરવી અમાસનો મેળો અને સમુદ્ર સ્નાન એ વિશેષ છે આથી માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ ભાવિકો આ દિવસે અહીં આવી સમુદ્ર સ્નાનનો લ્હાવો લે છે.
કોરોના કાળમાં બે વર્ષ લોકમેળો નહીં થતા આ વર્ષે ભાવિકોની ભીડ વધી
બે વર્ષની કોરોના મહામારીના કારણે નહીં થયેલા આયોજન બાદ આ વખતે કોળીયાક મેળાનું આયોજન થયું છે જેમાં શુક્રવાર રાત્રીથી જ મેળાનો પ્રારંભ થતા જ સાંજથી જ ભાવિકોનો પ્રવાહ કોળીયાકમાં વહેવા લાગ્યો હતો. જ્યારે આજે સવારે સમુદ્ર સ્નાન માટે મોટી માનવમેદની ઉમટી પડી હતી. બે વર્ષ સુધી લોકમેળો અને અમાસનું પરંપરાગત સ્નાન નહીં થઇ શકતા આ વર્ષે ભાવિકોની ભીડ દર વર્ષ કરતા વધુ મોટી માત્રામાં જાેવા મળી હતી.